Loading Please Wait !!!
સ્માર્ટ સિટી ચોપડામાં; રાજકોટ હકિકત ‘કચરાનગરી’!

ચૂંટણી જીત્યા પછી નેતાઓ દેખાતા નથી : મતદારોમાં રોષ
 
વર્ડ નં. ૧૭ માં વિકાસના પોકળ દાવાઓ વચ્ચે માત્ર ગંદકી અને કીચડનું સામ્રાજ્ય

ફોટો કહે છે આ છે આપણું રંગીલું નહીં અસલી રાજકોટ !

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં ચૂંટણી સમયે ગલીએ-ગલીએ ફરીને બે હાથ જોડી મતોની ભીખ માંગતા નેતાઓ હવે ચૂંટણીા બાદ જાણે જાદુઈ રીતે ગાયબ થઈ ગયા હોય તેવો ધાર ધડાકો છે. ચૂંટણી પહેલા સ્વચ્છ, સુંદર અને સુવિધાયુક્ત શહેરના જે મોટા-મોટા સપનાઓ નાગરિકોને બતાવવામાં આવ્યા હતા, તે તમામ દાવાઓ આજે શહેરના રસ્તાઓ પર પડેલા કચરાના ડુંગરોએ પોકળ સાબિત કરી દીધા છે. દ્રશ્યો જોતા સ્પષ્ટ થાય છે કે નેતાઓને માત્ર પોતાની રાજકીય ખુશી અને નેતાગીરીમાં જ રસ છે, પરંતુ જે મતદારોએ તેમને ચૂંટણીને સત્તા પર બેસાડ્યા તેમના કલ્યાણ કે પ્રાથમિક સુવિધાઓ આપવામાં તેમને કોઈ જ રસ નથી.

રાજકોટ મહાનગરપાલિકા (RMC) એક તરફ એવાં બણગાં ફૂંકે છે કે વરસાદ બાદ તૂટેલા રસ્તાઓનું રિપેરિંગ, ગંદકીની સફાઈ અને વરસાદી પાણીના ખાબોચિયા ઉલેચીને ત્યાં મચ્છરનાશક દવાઓ છંટકાવ પૂરજોશમાં ચાલી રહ્યો છે. પરંતુ, તંત્રના આ તમામ પોકળ દાવાઓ અને કાગળ પર ચાલતી કામગીરીનો સજ્જ પર્દાફાશ રાજકોટના વોર્ડ નં. ૧૭માં થયો છે. આ વિસ્તારમાં વિકાસ માત્ર ફાઈલોમાં જ થયો હોય તેવી દયનીય સ્થિતિ સર્જાઈ છે.

સિટી ન્યૂઝની ટીમે જ્યારે શહેરની જનતાની આ પીડાને વાચા આપવા માટે એક મુહીમ શરૂ કરી અને વોર્ડ નં. ૧૭ના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી, ત્યારે ત્યાંની ભયાવહ વાસ્તવિકતા સામે આવી. આ વોર્ડમાં આવેલી મોટાભાગની સુચિત સોસાયટીઓ અને પણ સ્લમ વિસ્તારોમાં ના તો પાકા રસ્તાની કોઈ સુવિધા છે કે ના તો ગંદા પાણીના નિકાલ માટે કોઈ ડ્રેનેજ લાઈનની વ્યવસ્થા. વિસ્તારમાં ચારેબાજુ રસ્તાઓ પર માત્ર કીચડ અને ગંદકીનું ‘રબડી રાજ’ જોવા મળી રહ્યું છે.

ગંદકીના ડુંગલાનો કોઈ પાર નથી અને સ્થાનિક રહીશો દુર્ગંધ વચ્ચે શ્વાસ લેવા મજબૂર બન્યા છે. કચરા અને કીચડના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત હોવા છતાં સ્થાનિક કોર્પોરેટરો અહીં ફરકવાની તસ્દી સુદ્ધાં લેતા નથી. હવે જોવાનું એ રહે છે કે એરકન્ડિશન્ડ ચેમ્બરમાં બેઠેલા નેતાઓ અને મનપાના અધિકારીઓની ઊંઘ ક્યારે ઉડે છે અને વોર્ડ નં. ૧૭ ની જનતાને આ નર્ક સમાન યાતનાઓમાંથી ક્યારે મુક્તિ મળે છે?