Loading Please Wait !!!
મનપામાં ટેન્ડરમાં ‘રમતમાં નહીં ચાલે હવે કમિશનરની દરખાસ્તનું પણ થશે ‘પોસ્ટમોર્ટમ’

  • મેયરે ગોઠવ્યો ‘અંકુશ’; એડવાઈઝરી કમિટીની સ્ટેન્ડિંગમાં દરખાસ્ત, જનરલ બોર્ડમાં ફાઈનલ કરાશે
  • કમિશનર કહે એટલે ફાઇનલ નહીં, દરેક ટેન્ડરનું સ્ટેન્ડિંગની એડવાઈઝરી કમિટી કરશે સ્કેનિંગ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસ કામો અને ટેન્ડર પ્રક્રિયાને વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનાવવા શાસકોએ મહત્વનો નિર્ણય લીધો છે. મનપાના ઇતિહાસમાં પહેલીવાર ટેન્ડર અને વિકાસ કામોની દરખાસ્તોના અભ્યાસ માટે એડવાઈઝરી કમિટી બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ દરખાસ્ત હવે જનરલ બોર્ડ સમક્ષ મુકવામાં આવશે.

હાલ મનપામાં ગ્રાન્ટ આધારિત વિકાસ કામો તેમજ તે કામો માટેના ટેન્ડરની પ્રક્રિયા માટે કમિશનર દ્વારા Tender Evaluation Committee (TEC)ની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત વિકાસ કામોના મોનિટરિંગ માટે Project Monitoring Unit (PMU) કાર્યરત છે, જેમાં આશરે ૩૫ કર્મચારીઓનો સ્ટાફ છે. TECમાં ચીફ એકાઉન્ટન્ટ સહિતના વિવિધ શાખાધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. TEC અને PMU બંને કમિશનરને રિપોર્ટિંગ કરે છે અને ત્યારબાદ જરૂરી દરખાસ્ત તૈયાર કરીને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવે છે.
 
જોકે, સ્ટેન્ડિંગ કમિટી પાસે દરેક ટેન્ડરની ટેકનિકલ અને નાણાકીય વિગતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે પૂરતો સમય મળતો ન હોવાની ચર્ચા વચ્ચે નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એડવાઈઝરી કમિટીનું મુખ્ય કામ TEC અને PMU દ્વારા તૈયાર થતી દરખાસ્તોનો વિગતવાર અભ્યાસ કરવાનું રહેશે. કમિટી રાજ્ય સરકારના નિયમો, અન્ય મહાનગરપાલિકાઓમાં થયેલા સમાન વિકાસ કામો, ટેન્ડરના ભાવ, ઉપલબ્ધ સ્પોટ અને સમગ્ર દરખાસ્તની નાણાકીય તથા વ્યવહારિક યોગ્યતા ચકાસશે.

આ અભ્યાસ બાદ કમિટી પોતાનો રિપોર્ટ અને સૂચનો સ્ટેન્ડિંગ કમિટી તેમજ મેયર સમક્ષ રજૂ કરશે. એટલે હવે માત્ર કમિશનર અને અધિકારીઓની ભલામણના આધારે ટેન્ડરને અંતિમ મંજૂરી નહીં મળે, પરંતુ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પહોંચ્યા પહેલાં દરખાસ્તનું વધુ એક સ્તરે રિવ્યુ થશે.

નવી વ્યવસ્થાથી ટેન્ડરમાં ઊંચા ભાવ દર્શાવવામાં આવ્યા હોય અથવા દરખાસ્તમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તે બાબતો પણ એડવાઈઝરી કમિટીના અભ્યાસ દરમિયાન સામે આવવાની શક્યતા છે. કમિટી જરૂરી વિગતો અને તુલનાત્મક માહિતી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકશે, ત્યારબાદ જ અંતિમ  નિર્ણય લેવામાં આવશે.

આ નિર્ણયથી સ્ટેન્ડિંગ કમિટીને નિર્ણય લેતા પહેલાં ૧૦૦ ડિગ્રી માહિતી મળી શકશે, જ્યારે ટેન્ડર પ્રક્રિયામાં સંભવિત ગેરરીતિ કે ઊંચા ભાવે કામ મંજૂર કરાવવાના પ્રયાસો પર અંકુશ આવે તેવી અપેક્ષા છે. એડવાઈઝરી કમિટી બન્યા બાદ કમિશનર સ્તરે તૈયાર થયેલી દરખાસ્તને અંતિમ ગણવામાં નહીં આવે. એડવાઈઝરી કમિટી તેના પર રિવ્યુ કરીને સ્ટેન્ડિંગ કમિટીને સૂચનો આપશે અને ત્યારબાદ ટેન્ડરને મંજૂરી આપવાનો અંતિમ અધિકાર સ્ટેન્ડિંગ કમિટી પાસે જ રહેશે. રાજકોટ મનપામાં આ નવી વ્યવસ્થા અમલમાં આવે તો ટેન્ડર પ્રક્રિયામાં ચકાસણીનું વધુ એક સ્તર ઉમેરાશે અને શાસકોના જણાવ્યા મુજબ પારદર્શિતા તથા જવાબદારી વધારવાનો માર્ગ મોકળો થશે.