કૃષિમંત્રી જીતુ વાઘાણીએ વૃક્ષો વાવ્યા, 48 કલાકમાં છોડોની હાલત દયનીય
- 15 ઓગસ્ટે ‘ગ્રીન’ 18 ઓગસ્ટે ‘ક્લિન’
- છોડ ગયા રહી ગયા ઠૂંઠા !
- મંત્રીનું વૃક્ષારોપણ બેનકાબ
સિટી ન્યૂઝ@ રાજકોટ
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે જિલ્લાક્ષમાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ઉત્સાહભેર કરવામાં આવેલું વૃક્ષારોપણ માત્ર બે જ દિવસમાં અદ્રશ્ય થઈ જતાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ૧૫મી ઓગસ્ટે યોજાયેલા આ સરકારી કાર્યક્રમ બાદ ૧૭ અને ૧૮ ઓગસ્ટના રોજ સ્થળ પર તપાસ કરતા વાવેલા છોડ ગાયબ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સામાજિક વનીકરણ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રની પર્યાવરણ જતનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.૧૫મી ઓગસ્ટના રોજ ગોંડલના કોલેજ ચોક ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી સહિત અન્ય અગ્રણી મહાનુભાવોના હસ્તે છોડ વાવવામાં આવ્યા હતા.કૃષિમંત્રીઓ ખુદ જાંદુનો છોડ વાવ્યો હતો. જોકે કાર્યક્રમ પૂર્ણ થયાના ૪૮ કલાક બાદ એટલે કે ૧૭ અને ૧૮ ઓગસ્ટે તે જગ્યાએથી વાવેલા વૃક્ષો ગાયબ થઈ ગયા હતા.હાલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તે સ્થળ પર માત્ર ઝાડના ખરી પડેલા પાંદડા, સામાન્ય કચરો અને મંડપ સર્વિસના લાકડાના વાંસ જ જોવા મળી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો માત્ર કપાયેલી ડાળખીઓ જ વેખરાયેલી પડી હતી, જેને કારણે આ સમગ્ર આયોજન તંત્ર માટે માત્ર દેખાડો સાબિત થઈ રહ્યો હોય તેમ જણાય છે.નેતાઓ અને અધિકારીઓએ જ્યાં ઉભા રહીને વૃક્ષારોપણ કરી ફોટો પડાવ્યા હતા, ત્યાંથી જ છોડ ગાયબ થઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ વૃક્ષારોપણ માત્ર 'ફોટો રેશન' પૂરતું જ સીમિત હતું? આ ઘટનાએ સરકારી તંત્ર અને વનીકરણ વિભાગના વૃક્ષોના જતન તથા પર્યાવરણ સંરક્ષણના મોટોમોટા દાવાઓની પોલ ખોલી નાખી છે. આ બેદરકારી અંગે ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલાએ આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં ૧૫મી ઓગસ્ટના દિવસે ગોંડલ સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વનો ઉત્સવ હતો, ત્યારે કૃષિમંત્રી સાહેબે અહિયાં વૃક્ષોનું વાવેતર કર્યું હતું, અંદાજિત ૧૫ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને ૪૮ કલાકમાં તો તમે વૃક્ષોની હાલત જોઈ શકો છો. મોટા-મોટા રૂપકડા બોર્ડ મારવામાં આવે છે, "એક પેડ મા કે નામ", તો શું ફક્ત ફોટો પાડવા માટે, સારું દેખાવા માટે આ બધા નાટક છે "એક પેડ મા કે નામ"? ' તેમણે ભારે અસંતોષ સાથે જણાવ્યું કે, 'આ તમે ત્યારના ફોટોગ્રાફ જોઈ લેજો અને ત્યારના ફોટોગ્રાફ જોઈ લેજો, આની હાલત જુઓ. જે-તે વિભાગને પૂછે તો કહે કે ભાઈ એ અમારામાં ન આવે. તો આવે કોની જવાબદારી આવે? ખાલી વાવવાની જ જવાબદારી આવે અને જાળવણી કરવાની, ઉછેરવાની કોઈની જવાબદારી નહીં હોતી?
વૃક્ષોના ઉછેર અંગે સામાજિક વનીકરણ વિભાગની સ્પષ્ટતા
આ સમગ્ર મામલે ગોંડલ સામાજિક વનીકરણ વિભાગના RFO ભીખુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, અમારા વિભાગની પ્રાથમિક જવાબદારી કેવળ વૃક્ષોનું વાવેતર કરવાની હોય છે. વૃક્ષારોપણ કર્યા બાદ તેના જતન અને ઉછેરની જવાબદારી જે-તે સંબંધિત સંસ્થા કે વિભાગની રહે છે; જેમ કે જો શાળા પરિસરમાં વાવેતર થયું હોય તો શાળા તંત્રની અને નગરપાલિકા વિસ્તારમાં હોઈ તો નગરપાલિકાની જવાબદારી બને છે.