એલન, આકાશ, ઇજ્યુનોવા, ફિનોલ, ફોટોન અને જ્ઞાનમંજરી કોચિંગ ક્લાસમાં ચાલે છે ‘ડમી એડમિશન’નો ધંધો ?
- રાજ્યના 31 શહેરોની સ્કૂલોમાં 697 ડમી વિદ્યાર્થી
- રાજકોટના જસદણની આલ્ફા સંકુલમાં બાળકીના મોત બાદ DEOનો રિપોર્ટ: ગુજરાતમાં ડમી કોચિંગનો પર્દાફાશ
- વિદ્યાર્થીઓ પાસેથી ટ્યુશન ફી ઉઘરાવીને લિવિંગ સર્ટિફિકેટ અન્ય સ્કૂલોમાં રાખવાની અલગથી ફી આપવામાં આવે છે
સિટી ન્યૂઝ | રાજકોટ
રાજકોટ શહેરમાં JEE-NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ચાલતા કોચિંગ ક્લાસિસ સામે ગંભીર આક્ષેપો ઉભા થઈ રહ્યા છે. એલન, આકાશ, ઇજ્યુનોવા, ફિનોલ, ફોટોન અને જ્ઞાનમંજરી જેવી જાણીતી કોચિંગ સંસ્થાઓને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચર્ચા તેજ બની છે કે અહીં શિક્ષણની આડમાં અલગ જ સિસ્ટમ ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, કેટલાક કોચિંગ ક્લાસિસ “ભૂતિયા સ્કૂલ” જેવી વ્યવસ્થા હેઠળ કામ કરી રહ્યા હોવાના આક્ષેપો છે. તેમાં વિદ્યાર્થીઓને નિયમિત શાળા બદલે કોચિંગમાં જ અભ્યાસ કરાવવામાં આવે છે, જ્યારે તેમના શાળાના દાખલા (લિવિંગ સર્ટિફિકેટ) અન્ય સંલગ્ન અથવા અલગ સ્કૂલોમાં રાખવામાં આવે છે. આ માટે વાલીઓ પાસેથી અલગથી ફી વસૂલાત થતી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
આ મોડેલ હેઠળ વિદ્યાર્થીઓ શાળામાં હાજરીનો રેકોર્ડ કાગળ પર જ રાખવામાં આવે છે, જ્યારે વાસ્તવમાં તેઓ આખો સમય કોચિંગ ક્લાસમાં જ વિતાવે છે. શિક્ષણ વિભાગના નિયમ મુજબ આવી વ્યવસ્થા ગેરકાયદેસર ગણાઈ શકે છે, કારણ કે શાળા અને કોચિંગને અલગ રાખવાના સ્પષ્ટ નિયમો છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ નવા નથી. અગાઉ પણ રાજકોટ નજીક એક બોગસ સ્કૂલનો પર્દાફાશ થયો હતો, જ્યાં કોઈ માન્યતા વિના શાળા ચલાવવામાં આવતી હતી અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં વાત કરવામાં આવતી હતી.
આ ઘટના બાદ પણ જો આવી સિસ્ટમ ફરી ઉભી થઈ રહી હોય તો તે શિક્ષણ વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. વાલીઓમાં ચિંતા એ છે કે તેઓ લાખો રૂપિયાની ફી ચૂકવે છે, છતાં તેમના બાળકો કાયદેસર અને માન્ય શિક્ષણ મેળવી રહ્યા છે કે નહીં તેની કોઈ ખાતરી નથી. બીજી તરફ, વિદ્યાર્થીઓ પર પણ શૈક્ષણિક અને માનસિક દબાણ વધતું હોવાનો મુદ્દો ઉઠી રહ્યો છે. શિક્ષણવિદો માને છે કે જો આવા “ભૂતિયા સ્કૂલ મોડેલ” પર સમયસર કડક કાર્યવાહી નહીં થાય, તો સમગ્ર શિક્ષણ પ્રણાલી માટે જોખમી બની શકે છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને નામે ચાલતી આ પદ્ધતિ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો ખેલ ગણાઈ રહી છે.
હવે સવાલ એ છે કે શું શિક્ષણ વિભાગ આ મામલે તપાસ કરશે? અને જો આક્ષેપો સાચા સાબિત થાય, તો જવાબદાર સામે કડક કાર્યવાહી થશે કે નહીં? રાજકોટમાં ઉઠેલી આ ચર્ચાએ એક મોટો પ્રશ્ન ઉભો કર્યો છે. શું કોચિંગના નામે શિક્ષણનું વ્યાપારીકરણ હવે નિયંત્રણ બહાર જઈ રહ્યું છે?