લંડન હીથ્રો એરપોર્ટ ગુજરાતની કેસરની સુગંધથી મહેક્યું
=> સાત સમંદર પાર ગુજરાતી કેરીનો દબદબો
=> ખેડૂતો જાતે જ હવે વિદેશમાંથી ડૉલર-પાઉન્ડ કમાઈ શકશે; FPO બનાવોઅને સરકારની સબસિડી મેળવો :પેક હાઉસ ઓનર સમીર સાપરિયા
સિટી ન્યૂઝ@લંડન
"જ્યારે લંડનના હીથ્રો એરપોર્ટ પર ગુજરાતથી આવેલી કેસર અને હાફુસના બોક્સ ઉતરે અને તેની સુગંધ આખા કાર્ગો એરિયામાં ફેલાઈ જાય, ત્યારે એક ભારતીય તરીકે બહુ ગર્વ થાય. લંડન, લેસ્ટર અને બર્મિંગહામમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયો માટે આ માત્ર ફ્રૂટ નથી, વતનની યાદ છે. લોકો ગમે તેટલા ભાવ આપીને પણ ખરીદવા તૈયાર હોય છે. હવે તો યુરોપિયન પ્રજાને પણ 'ઈન્ડીયન મેન્ગો' નો ચસ્કો લાગ્યો છે. આ શબ્દો છે દિગ્વિજયસિંહ ગોહિલના, જેઓ પ્રતિ વર્ષ કેરી ખરીદવા ગુજરાત રૂબરૂ આવે છે અને ઈંગ્લેન્ડમાં કેરી ઇમ્પોર્ટ કરે છે.
ગોહિલ વધુમાં જણાવે છે કે, વિશ્વમાં અને ભારતમાં ઘણા પ્રકારની કેરીઓ મળે છે પણ ગુજરાતીઓ અને વિદેશીઓને માત્ર કેસર કેરી અને મહારાષ્ટ્રની હાફુસ જ ભાવે છે. સૌથી વધુ ડિમાન્ડ કેસર કેરીની છે. ભારતની કેસર તથા હાફુસ જેવી સુગંધ અને મીઠાશ આખી દુનિયામાં ક્યાંય નથી. સાઉથ અમેરિકા, બ્રાઝિલ કે પેરુની કેરીઓ દેખાવમાં લાલચટ્ટક હોય છે પણ સ્વાદમાં અંદરથી ફિક્કી હોય છે, જ્યારે ભારતની કેસર કેરી તો સ્વાદનો રાજા છે. એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા માન્યતા પ્રાપ્ત કેરીનાં બગીચાની કેરી અને માન્યતા પ્રાપ્ત પેક હાઉસમાં કેરીની પ્રોસેસિંગ કર્યા બાદ જ તેની નિકાસ કરવામાં આવે છે.
રાજકોટના કુવાડવા ખાતે સ્થિત APEDA માન્યતા પ્રાપ્ત 'કુંજ કોલ્ડ વેર સોલ્યુશન-પેક હાઉસ'ના માલિક સમીર સાપરીયા જણાવે છે કે, અમે કેરીની નિકાસ માટેની પ્રક્રિયા અમારા પેક હાઉસમાં કરીએ છીએ. અમેરિકા, ઇંગ્લેન્ડ, યુ.એ.ઈ., ઓસ્ટ્રેલીયા, યુરોપિયન દેશો તથા ગલ્ફના દેશોમાં જરૂરિયાત મુજબ પ્રોસેસ કરીને કેરી પેકિંગ કરી આપીએ છીએ. અમેરિકા માટે ખાસ પ્રકારની હોટ વોટર પ્રોસેસ કરીને આપી છીએ, જેમાં સૌથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઇંગ્લેન્ડ અને કેનેડા માટે હોટ વોટર ઉપરાંત રાઈપનિંગ પ્રોસેસ કરીને પછી તેનું પેકિંગ કરવામાં આવે છે. કેસર, રાજાપુરી અને આલ્ફાનસો કેરીની પણ પ્રોસેસ કરીએ છીએ. કેસર કેરી જુનાગઢ, તાલાળા અને કચ્છથી આવે છે, જ્યારે રાજાપુરી વલસાડથી આવે છે.