Loading Please Wait !!!
નિવૃત્ત મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી ઠગાઈ

 

  • રાજકોટના યાજ્ઞિક રોડ પર બની ઘટના

  • જગદીશ બાંગરવા ડીસીપી ક્રાઇમ દ્વારા ખુલાસો

  • મુંબઈ પોલીસના નામથી ડરાવી રૂપિયા પડાવ્યા

સિટી ન્યુઝ @ રાજકોટ 

રાજકોટના યાજ્ઞિક રોડ પર રહેતા અને જનાના સરકારી હોસ્પિટલના નિવૃત્ત 82 વર્ષીય મહિલા તબીબ દમયંતીબેન ગણાત્રાને 'ડિજિટલ અરેસ્ટ'નો ખોટો ડર બતાવીને રૂ.58.50 લાખ પડાવી લેવાના અત્યંત ચકચારી કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે અમદાવાદ ખાતેથી 6 ટકા કમિશનની લાલચે પોતાની પેઢીનું કરંટ એકાઉન્ટ ભાડે આપનાર સંબંધમાં સાળો અને બનેવી થતા કારખાનેદારોની ધરપકડ કરીને કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વિગતો મુજબ, ગત 21 સપ્ટેમ્બરના રોજ અજાણ્યા વોટ્સએપ નંબર પરથી આવેલા કોલમાં હિન્દી ભાષી શખ્સે મુંબઈના કોલંબા પોલીસ સ્ટેશનના પીએસઆઈ તરીકે ઓળખ આપી હતી. તેણે મની લોન્ડરિંગ કેસમાં વૃદ્ધાનું આધાર કાર્ડ તથા એટીએમ કાર્ડ મળી આવ્યાનું જણાવી ધરપકડની ધમકી આપી હતી અને વય મર્યાદાના કારણે ઘરની બહાર ન નીકળીને 'હાઉસ અરેસ્ટ' રહેવા સૂચના આપી હતી. ત્યારબાદ ખાખી વર્ધીધારી નકલી ડીસીપી સાથે વિડીયો કોલ કરાવીને તેમના પર સતત માનસિક દબાણ ઊભું કરવામાં આવ્યું હતું.

આરોપીઓએ 21 થી 30 સપ્ટેમ્બર દરમિયાન રોજના 3 થી 4 વિડીયો કોલ કરીને વૃદ્ધાને ભયના માહોલમાં રાખ્યા હતા અને મુંબઈ હાઈકોર્ટના કથિત ઓર્ડરનું બહાનું ધરી તેમના બેંક ખાતા, એફડી તથા મ્યુચ્યુઅલ ફંડની માહિતી મેળવી હતી. બેંક મેનેજર દ્વારા ફ્રોડ અંગે ચેતવણી આપવામાં આવી હોવા છતાં ડરેલા વૃદ્ધાએ ઠગોની ચાલબાજીમાં આવીને પોતાના નાણાં ટ્રાન્સફર કરી દીધા હતા. બે દિવસમાં નાણાં પરત મળવાની ખોટી ખાતરી મળ્યા બાદ છેતરપિંડી થયાનું ધ્યાને આવતા પરિવારજનોને જાણ કરી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસ તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસના આધારે અમદાવાદથી દર્શન મકવાણા અને શુભમ પરમાર નામના શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે, જેઓ અમદાવાદમાં કારખાનું ચલાવે છે. તેઓએ માત્ર 6 ટકા કમિશન મેળવવાની લાલચે પોતાની કંપનીનું કરંટ એકાઉન્ટ મુખ્ય સાયબર માફિયાઓને ભાડે આપ્યું હતું. આશ્ચર્યજનક બાબત તો એ છે કે પોલીસ તપાસમાં આ જ કરંટ એકાઉન્ટમાં માત્ર 6 દિવસમાં દેશભરમાંથી સાયબર ફ્રોડના કુલ રૂ.2.50 કરોડ જેટલી જંગી રકમ જમા થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1.20 લાખની કિંમતના 4 મોંઘા મોબાઈલ ફોન તથા એક લેપટોપ જપ્ત કર્યું છે. હાલ આંતરરાજ્ય સ્તરે સક્રિય મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા અને બેંક ખાતાના નાણાકીય વ્યવહારો સીઝ કરાવવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ડિજિટલ અરેસ્ટ જેવા સાયબર ગુનાઓ સામે નાગરિકોએ અત્યંત જાગૃત રહેવું અને પોલીસ કે સરકારી એજન્સીઓ ક્યારેય ફોન પર આવી રીતે નાણાં ન માંગતી હોવાની બાબત ધ્યાનમાં રાખવી અનિવાર્ય છે.

સાયબર જાગૃતિ અને સુરક્ષા સાવધાની

ડિજિટલ અરેસ્ટ કે ઓનલાઈન ફ્રોડના વધતા જતા બનાવો સામે સાયબર સુરક્ષા અને જાગૃતિ જ સૌથી મોટું રક્ષણ છે. કોઈપણ અજાણ્યા કોલ કે દબાણ હેઠળ આવ્યા વિના તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈનનો સંપર્ક કરવો હિતાવહ છે.