Loading Please Wait !!!
ભાથરોટ ગામમાં નેટવર્ક નહીં હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં

 

  • જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું પાંચ હજાર વસ્તી

  • સરપંચ પ્રતિનિધિ હીરાભાઈ હાથાભાઈ વાઢિયા દ્વારા રજૂઆત

  • ખેડૂતોને પાકના ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલીઓ

સિટી ન્યુઝ @ જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું આશરે 5 હજારની વસ્તી ધરાવતું ભાથરોટ ગામ આજે પણ ટેક્નોલોજી અને આધુનિક યુગમાં અંધારામાં જીવન જીવવા મજબૂર બન્યું છે. દેશભરમાં ડિજિટલ ઈન્ડિયા અને 5G યુગના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ છેવાડાના ગામમાં પ્રાથમિક સુવિધા સમાન મોબાઈલનું નેટવર્ક સુદ્ધાં ઉપલબ્ધ નથી. ગામમાં નેટવર્ક શૂન્ય હોવાના કારણે સરકારી કામકાજથી માંડીને રોજિંદા વ્યવહારો સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે.

ગામના સરપંચ પ્રતિનિધિ હીરાભાઈ હાથાભાઈ વાઢિયાએ જણાવ્યું હતું કે, તેમના ગામમાં નેટવર્કની ખૂબ જ મોટી સમસ્યા છે અને આ બાબતે અગાઉ બે-ત્રણ કંપનીના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ગ્રામ પંચાયતમાં ખેડૂતોને મગફળી, ચણા, તુવેર તથા અડદ જેવા પાકના ઓનલાઈન ફોર્મ ભરવા માટે લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે, તેમજ પ્રાથમિક શાળાના બાળકોના અભ્યાસમાં પણ મુશ્કેલી નડે છે.

તેમણે ગંભીરતા દર્શાવતા જણાવ્યું હતું કે ગામમાં 108 એમ્બ્યુલન્સ બોલાવવી હોય તો પણ કોલિંગ થતું નથી અને દર્દીની સારવાર માટે અગાશી ઉપર ચડીને ફોન કરવો પડે છે, જેમાં જો સમય બગડે તો દર્દીના જીવ જોખમમાં મુકાઈ જાય છે. ગામના રહીશ છગનભાઈ અર્જનબાલસે અને વિરમભાઈ ગોવિંદભાઈ રાઠોડે જણાવ્યું હતું કે મકાનના મેળીએ ચડીએ ત્યારે જ ત્રુટક-ત્રુટક નેટવર્ક મળે છે અને તમામ અગત્યના કામો અટકી પડે છે.

ગામના અન્ય એક રહીશ જયેશભાઈ બાબુભાઈ ભુવાએ જણાવ્યું હતું કે, હાલમાં સરકાર દ્વારા તમામ કામગીરી ઓનલાઈન કરી દેવામાં આવી છે પરંતુ નેટવર્ક ન હોવાથી કામ કેવી રીતે કરવું તે મોટો પ્રશ્ન છે. મોબાઈલમાં વ્યવસ્થિત વાતચીત પણ થઈ શકતી નથી અને સરકારી કે અન્ય કામકાજ માટે જરૂરી ઓટીપી પણ યોગ્ય સમયે આવતો નથી, જેના કારણે ગ્રામજનોને પાંચથી છ કિલોમીટર દૂર બહાર જવાની ફરજ પડે છે.

ગ્રામજનોએ વહેલી તકે નેટવર્કની આ ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અને ખેડૂતો તથા વિદ્યાર્થીઓને મોટી રાહત અપાવવા માટે તંત્ર સમક્ષ જોરદાર માંગ કરી છે. જો સમયસર ટાવર ઊભું કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ડિજિટલ સુવિધાઓ અને ગ્રામીણ વાસ્તવિકતા

દેશના વિકાસ માટે છેવાડાના ગામડાઓ સુધી ટેક્નોલોજી અને નેટવર્ક પહોંચાડવું અનિવાર્ય છે. પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવા જરૂરી છે.