સ્વખર્ચે ડેમ બચાવતા ખેડૂતોને અટકાવ્યા: તંત્ર સામે ખેડૂતોનો વિરોધ
=> ન્યારી ડેમ વિવાદ: પાંચ ગામના કિસાનોમાં રોષ
=> પકડાયેલા વાહનો દંડ વિના છોડી દેવા માંગ
=> તંત્રના આવા નકારાત્મક વલણને કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ જિલ્લાના પડધરી નજીક આવેલા ન્યારી-2 ડેમ ખાતે જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે સ્થાનિક ખેડૂતો અને ગ્રામ પંચાયતો દ્વારા શરૂ કરાયેલા ભગીરથ કાર્યમાં વહીવટી તંત્ર અડચણરૂપ બનતા ભારે વિવાદ સર્જાયો છે. છેલ્લા 13 વર્ષ બાદ ખાલી થયેલા ન્યારી-2 ડેમમાંથી પાણીની સંગ્રહ શક્તિ વધારવા અને પોતાના ખેતરોને ફળદ્રુપ બનાવવા માટે ખેડૂતો સ્વખર્ચે માટી કાઢી રહ્યા હતા. સિંચાઈ વિભાગ અને સરકારની સૈદ્ધાંતિક મંજૂરી હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ કામગીરી અટકાવી દેવામાં આવતા અને ખેડૂતોના વાહનો જપ્ત કરાતા પાંચ ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ડેમ સાઇટ પર એકઠા થઈ ગયા છે. ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે તંત્રના આવા નકારાત્મક વલણને કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ન્યારી-2 ડેમ એ તરઘડી, રંગપર, મોટા રામપર, ખંઢેરી અને ખંભાળા જેવા આસપાસના પાંચથી વધુ ગામોના ખેડૂતો માટે સિંચાઈ અને ભૂગર્ભ જળ રિચાર્જ માટેનો મુખ્ય સ્ત્રોત છે. લાંબા સમય બાદ ડેમનું તળિયું દેખાતા, આગામી ચોમાસામાં વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તેવા હેતુથી આ પાંચેય ગામના ખેડૂતોએ પોતાના ખર્ચે જેસીબી, હિટાચી અને ડમ્પર જેવા સાધનો લગાવીને ડેમમાંથી કાંપ અને માટી દૂર કરવાનું કાર્ય શરૂ કર્યું હતું. ડેમ જેટલો ઊંડો થશે, તેટલો પાણીનો સંગ્રહ વધશે અને તેનાથી આસપાસના વિસ્તારોના કુવા તથા બોરના જળસ્તર ઊંચા આવશે. આ ઉપરાંત, ડેમમાંથી નીકળતી ફળદ્રુપ માટી પોતાના ખેતરોમાં નાખવાથી પાકનું ઉત્પાદન પણ સારું મળે તેમ હોવાથી ખેડૂતો હોંશે-હોંશે આ કામ કરી રહ્યા હતા. પરંતુ આ લોકઉપયોગી કાર્યમાં વહીવટી તંત્રે અડચણ ઊભી કરતા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.
પાંચેય ગ્રામ પંચાયતો અને સરપંચોએ સંયુક્ત રીતે તંત્ર અને સરકારને અપીલ કરી છે કે, પ્રકૃતિ અને ખેડૂતોના હિત માટે વહીવટી તંત્ર નકારાત્મકતા છોડીને સહકાર આપે. સરકાર શ્રી પાસે અમારી એ જ માંગણી છે કે ભવિષ્ય માટે કાયમી ધોરણે એવો નિયમ બનાવવામાં આવે કે જ્યારે પણ આ ડેમ ખાલી થાય, ત્યારે ખેડૂતોને પોતાના ખર્ચે માટી ઉપાડવાની અને ડેમ ઊંડો કરવાની વિનામૂલ્યે પરવાનગી આપવામાં આવે.
જો ચોમાસા પહેલાં ડેમ ઊંડો કરવાની આ પ્રક્રિયા પૂરી નહીં થાય, તો આગામી દિવસોમાં વરસાદી પાણીના સંગ્રહ પર ખૂબ માઠી અસર થશે અને સમગ્ર વિસ્તારમાં શિયાળુ તેમજ ઉનાળુ પાક માટે પાણીની કટોકટી સર્જાવાની ભીતિ છે. વહીવટી તંત્ર આ લોકહિતના કાર્યને વહેલી તકે પુન શરૂ કરવા દે તેવી માંગ સાથે ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.