Loading Please Wait !!!
રાજકોટમાં BSNL કર્મીઓનો બળવો જયુબેલી બાગ પાસે ઉગ્ર સૂત્રોચ્ચાર

=> BSNL કર્મચારીઓ અને પેન્શનરોને 1-1-2026થી 31-3-2026 સુધીના 3.5% IDA એરિયર્સ ન મળતા દેશવ્યાપી વિરોધ: ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમની બેવડી નીતિ સામે ભારે આક્રોશ

સિટી ન્યૂઝ@વડોદરા

BSNL ના કર્મચારીઓ અને પેન્શનરો દ્વારા 1-1-2026 થી 31-3-2026 સુધીના 3.5% IDA (મોંઘવારી ભથ્થા) એરિયર્સની ચૂકવણી ન થતા દેશવ્યાપી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ, ન્યુદિલ્હી દ્વારા આ અંગે કોઈ નિર્ણય ન લેવાતા કર્મચારીઓ અને સિનિયર સિટીઝન પેન્શનરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે બુધવારે, 20-5 ના રોજ સવારે 10:30 થી 12:30 દરમિયાન રાજકોટના જુબેલી બાગ પાસે કર્મચારીઓએ એકઠા થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર અને ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો.વિરોધ કરી રહેલા કર્મચારીઓએ ટેલિકોમ વિભાગની બેવડી નીતિ પર આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ખાતામાં 'એકને ગોળ અને બીજાને ખાંડ' જેવી નીતિ અપનાવવામાં આવી રહી છે.

એક તરફ કેન્દ્રીય કર્મચારીઓ માટે 8 મા પગાર પંચની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને BSNL ના ITS અધિકારીઓને 7 મુ પગારપંચ તથા રેગ્યુલર DA ના લાભો તાત્કાલિક આપવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી તરફ, સામાન્ય કર્મચારીઓને હજુ સુધી 3rd પે રિવિઝનનો લાભ પણ આપવામાં આવ્યો નથી.સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે મોંઘવારી ભથ્થું કોઈપણ સંજોગોમાં રોકી શકાય નહીં, છતાં BSNL ના કર્મચારીઓ અને પેન્શનરોને આ હકથી વંચિત રાખવા ચલક ચલાણું કરવામાં આવી રહ્યું છે. જીવનના અંતિમ પડાવ પર રહેલા સિનિયર સિટીઝન પેન્શનરોએ કાળઝાળ ઉનાળાના તડકામાં પોતાના હક્કના નાણાં મેળવવા રસ્તા પર ઉતરીને ધરણા કરવા પડે તે અત્યંત દુખદ અને પીડાજનક બાબત છે. કર્મચારીઓએ માંગ કરી છે કે આ ભેદભાવભરી નીતિનો અંત લાવી સત્વરે IDA એરિયર્સની ચૂકવણી કરવામાં આવે.