કાજુ કતરીએ તો ડખ્ખે ચડાવ્યા !
જનરલ બોર્ડ પૂર્વે કાજુ કતરી સાથે કોંગ્રેસનો વિરોધ
27 લાખના ફૂડ બિલ વિવાદ અને પ્રેસના બહિષ્કાર વચ્ચે શાસકોએ જ તંત્રની પોલ ખોલી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાનું આજે સમયમર્યાદા વગરનું ઐતિહાસિક ઓપન જનરલ બોર્ડ યોજાયું હતું, જે ભારે હંગામા અને આક્ષેપ-પ્રતિઆક્ષેપોથી ગાજી ઉઠ્યું હતું. બોર્ડની શરૂઆત પૂર્વે જ કોંગ્રેસ દ્વારા જંગલેશ્વર ડિમોલિશન વખતે તંત્રના અધિકારીઓ દ્વારા ૨૭ લાખ રૂપિયાનું ફૂડ આરોગી જવાના મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાજુ કતરીના પોસ્ટર સાથે પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના સભ્યોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.
બીજી તરફ, પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓને પ્રેસ ગેલેરીમાંથી હટાવી પ્રેક્ષક ગેલેરીમાં બેસાડવામાં આવતા પત્રકારોએ નારાજ થઈને બોર્ડની કાર્યવાહીનો બહિષ્કાર કરી વોકઆઉટ કર્યો હતો.
સામાન્ય સભા શરૂ થતાં જ ભાજપના વોર્ડ ૧૪ ના કોર્પોરેટર કેતન પટેલે સનસનીખેજ પ્રશ્નો પૂછીને ટીપી વિભાગના અધિકારીઓને દોડતા કરી દીધા હતા. તેમણે મનપાની માલિકીના પ્લોટ અને તેમાં થયેલા દબાણો અંગે ઈન્ચાર્જ ટીપીઓને આકરા સવાલો કર્યા હતા. પ્લોટની વિગતો અને કાર્યવાહી બાબતે ઈન્ચાર્જ ટીપીઓ સ્ટેજ પર જ ગેંગેફેંફે થઈ ગયા હતા અને લેખિત જવાબ આપવાનો બચાવ કર્યો હતો. સિટી ઈજનેર અતુલ રાવલે રેસકોર્સમાં દબાણ હોવાનો ઈનકાર કર્યો હતો, જોકે મનપા કમિશનરે દખલ કરી તાત્કાલિક દબાણ દૂર કરવાની ખાતરી આપી હતી અને મેયરે તપાસના આદેશ આપ્યા હતા.
વોર્ડ ૧૦ ના કોર્પોરેટર જ્યોત્સના ટીલાળાએ પણ શહેરી સુવિધા અને રોડ-રસ્તાના મુદ્દે અધિકારીઓનો બરાબર ઉધડો લીધો હતો. તેમણે ડીઆઈ પાઈપલાઈન અને ચોમાસા પહેલા પેચવર્કના મુદ્દે સવાલો કર્યા હતા. સિટી ઈજનેર કુતેશ મહેતાએ ૨૫ MLD લાઈનનું કામ ચાલુ હોવાનો બચાવ કર્યો હતો, પરંતુ વોર્ડ ૧૧ માં પાણી ન મળવાની અને રસ્તા પર ખાડા હોવાની રજૂઆતો બાદ કમિશનરે કડક વલણ અપનાવી કાયમી નિકાલના આદેશ આપ્યા હતા.
સમયમર્યાદા વગરના આ ઓપન બોર્ડમાં વિપક્ષને પણ પૂરતો સમય મળવાની ખાતરી અપાતા તેઓ શાંત પડ્યા હતા. કોંગ્રેસના દીપ્તિ સોલંકીએ ટીપી શાખાના પ્રશ્ને પેટા પ્રશ્ન પૂછવાનો ઈનકાર કર્યો હતો.
આ જનરલ બોર્ડમાં ભાજપના ૧૨ કોર્પોરેટરો દ્વારા પ્રજાલક્ષી કુલ ૩૩ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં કેતન પટેલના ૨, સંજય ચાવડાના ૩, જ્યોત્સના ટીલાળાના ૩, ડો. રિંકલ મેઘાણીના ૨, કિર્તિબા રાણાના ૨, મહેશ પીપળીયાના ૧, મોહિતસિંહ જાડેજાના ૨, સોનલ સેલારાના ૧, પંકજ લુણાગરીયાના ૨, કાર્ય પારેખના ૧, શૈલેષ વસાણીના ૨, રાજુ અઘેરાના ૩, દર્શન પેંચાતરના ૩, જાનકી કાટોડિયાના ૩ અને રસિત કલોલાના ૩ પ્રશ્નોનો સમાવેશ થાય છે. અધિકારીઓની નબળી તૈયારી અને શાસક પક્ષના આક્રમક વલણને કારણે વહીવટી તંત્ર બરાબરનું ભીંસમાં મુકાયું હતું.
આરોગ્ય અધિકારીનું નિવેદન / 60 પત્રકારો 34 હજારની કાજુ કતરી ખાઈ ગયા ?
» અધિકારી જયેશ વાંકાણીએ કહ્યું પ્રેસ કોન્ફરન્સ માટે કાજુ કતરી મંગાવી હતી
જંગલેશ્વર વિસ્તારમાં થયેલી ડિમોલેશન કામગીરી દરમિયાન થયેલા ખાણી-પીણીના ખર્ચને લઈને વિવાદ ઊભો થયો છે. ખાસ કરીને ફૂડ બિલમાં દર્શાવવામાં આવેલી કાજુ કતરીની રકમ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ડિમોલેશનની કામગીરી સતત ત્રણ દિવસ ચાલી હતી, જેમાં વિવિધ વિભાગોના ૪,૮૦૦થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ તૈનાત હતા. તમામ માટે ચા, પાણી અને નાસ્તાની વ્યવસ્થા મધ્યસ્થ સંસ્થાઓ મારફતે કરવામાં આવી હતી. ડે-વાઈઝ રિફ્રેશમેન્ટની સુવિધા પૂરી પાડવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ કાજુ કતરી અને સમોસાની વ્યવસ્થા માત્ર એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી. જોકે, હવે મુખ્ય સવાલ એ ઊભો થયો છે કે અંદાજે ૪૦થી ૫૦ પત્રકારોની હાજરી ધરાવતી પ્રેસ કોન્ફરન્સ માટે રૂ. ૩૪ હજારની કાજુ કતરીનો ખર્ચ કેવી રીતે થયો? વિપક્ષ અને નાગરિકોમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. ફૂડ બિલમાં દર્શાવાયેલા ખર્ચની પારદર્શિતા અને વાસ્તવિકતા અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. મનપા તરફથી વધુ સ્પષ્ટતા બાદ જ સમગ્ર મામલાની હકીકત સામે આવશે.