Loading Please Wait !!!
શિક્ષણમાં રાજકારણ;ધો.9 પાઠ્યપુસ્તકમાં ઈન્દિરાકાળની ઈમરજન્સીનો પાઠ

NCERTનો નિર્ણય: ધોરણ 9ના સિલેબસમાં ફેરફાર

સિટી ન્યૂઝ@અમદાવાદ

દેશના શાળાકીય અભ્યાસક્રમમાં એક બહુ મોટો અને મહત્વપૂર્ણ બદલાવ જોવા મળી રહ્યો છે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા ધોરણ ૯ માટે સોશિયલ સાયન્સનું નવું પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. આ નવી ચોપડીમાં દેશના ઈતિહાસના સૌથી મોટા અને સંવેદનશીલ રાજકીય ઘટનાક્રમને સ્થાન આપવામાં આવ્યું છે.'Understanding Society: India and Beyond-Part 1' નામના આ નવા પુસ્તક દ્વારા દેશમાં પહેલીવાર ૯મી ક્લાસના બાળકોને વર્ષ ૧૯૭૫માં લાદવામાં આવેલી કટોકટી વિશે વિગતવાર ભણાવવામાં આવશે.

અત્યાર સુધી દેશના આ સૌથી ચર્ચિત રાજકીય કાળખંડને મુખ્યત્વે ઉચ્ચતર માધ્યમિક વર્ગો અથવા હાયર એજ્યુકેશનના સ્તર પર જ ભણાવવામાં આવતો હતો. પરંતુ હવે શાળાના વિદ્યાર્થીઓને શરૂઆતના સ્તરેથી જ ભારતીય રાજનીતિના આ મહત્વપૂર્ણ વળાંકની સમજ આપવામાં આવશે. આ ચેપ્ટરનો સમાવેશ કરવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભારતીય લોકશાહીની તાકાત, તેના ઉતાર-ચઢાવ અને બંધારણીય અધિકારોના મહત્વથી વાકેફ કરવાનો છે. પુસ્તકમાં અત્યંત નિષ્પક્ષ અને ઐતિહાસિક તથ્યો સાથે આ આખા ઘટનાક્રમની રૂપરેખા રજૂ કરવામાં આવી છે.

નવા પુસ્તકમાં વર્ષ ૧૯૭૫ના કાળખંડને ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અને પડકારજનક દોર ગણાવવામાં આવ્યો છે. આ ચેપ્ટરમાં વિદ્યાર્થીઓને ખૂબ જ સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે કે કટોકટી શું હોય છે, તે કેમ લગાવવામાં આવે છે અને ભારતીય બંધારણ હેઠળ તેના કેટલા પ્રકારો છે. આ ઉપરાંત, કટોકટી લાગુ થવા પાછળનું આખું બેકગ્રાઉન્ડ પણ સ્પષ્ટ કરાયું છે. તે સમયે દેશમાં જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં ચાલી રહેલું 'જેપી આંદોલન', વધતી જતી મોંઘવારી, રાજકીય અસ્થિરતા અને વિરોધ પક્ષોના દેશવ્યાપી આંદોલનો કઈ રીતે ચરમસીમા પર હતા, તે તમામ પરિસ્થિતિઓનો આ પ્રકરણમાં સમાવેશ કરાયો છે.

NCERTના આ પ્રકરણમાં એ કાયદાકીય વળાંકનો પણ પ્રમુખતાથી ઉલ્લેખ છે જેણે દેશના રાજકારણને હમમચાવી દીધું હતું. અલ્હાબાદ હાઈકોર્ટના એ ઐતિહાસિક ચુકાદા વિશે જણાવાયું છે, જેમાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ચૂંટણીને બિનકાયદેસર જાહેર કરવામાં આવી હતી. આ ચુકાદા બાદ દેશમાં રાજકીય ગરમાવો વધી ગયો હતો અને ૨૫ જૂન ૧૯૭૫ના રોજ તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીની સલાહ પર દેશમાં કટોકટી લાગુ કરાઈ હતી.

પ્રકરણના અંતિમ ભાગમાં લોકશાહીની વાપસીની વાત નોંધાયેલી છે. બાળકોને માહિતી આપવામાં આવી છે કે આશરે ૨૧ મહિનાના લાંબા અને સખત પ્રતિબંધો બાદ આખરે જાન્યુઆરી ૧૯૭૭માં સામાન્ય ચૂંટણીઓની જાહેરાત થઈ અને માર્ચ ૧૯૭૭માં સત્તાવાર રીતે કટોકટીનો અંત આવ્યો. આ ઘટના ભણીને વિદ્યાર્થીઓ સમજી શકશે કે ભારતીય જનતાએ કઈ રીતે વોટની ચોટથી દેશમાં ફરીથી લોકશાહી બહાલ કરી હતી.