Loading Please Wait !!!
ચૈતર વસાવા જેલમાં બહાર ચર્ચા ચારેકોર !

  • ગોપાલ ઈટાલિયાના ગંભીર આક્ષેપ
  • ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવવા હર્ષ સંઘવીએ ષડયંત્ર રચ્યું
  • હાઈકોર્ટના સરકારી વકીલના કથિત વીડિયોને આધારે ‘આપ’નો દાવો

 

  • સિટી ન્યૂઝ@ગાંધીનગર

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને નીચલી કોર્ટ દ્વારા ફટકારેલી ૭ વર્ષની જેલની સજાના મામલે ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે. આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આ કેસને લઈને રાજ્ય સરકાર પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ગંભીર આરોપ લગાવ્યો છે. ઈટાલિયાએ દાવો કર્યો છે કે, ચૈતર વસાવાને સજા કરાવવાનો નિર્ણય કોઈ સામાન્ય કાનૂની પ્રક્રિયા નથી, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી સૂચના અને દબાણથી લેવાયેલો રાજકીય નિર્ણય હતો. આ દાવાના સમર્થનમાં તેમણે ગુજરાત હાઈકોર્ટના સરકારી વકીલનો એક કથિત વીડિયો સામે આવ્યો હોવાનો પણ સનસનાટીભર્યો ઉલ્લેખ કર્યો છે. ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, "જ્યારે ચૈતર વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા હતા, ત્યારે પણ અમે સ્પષ્ટ કહ્યું હતું કે સરકારી પોલીસ, સરકારી ફરિયાદી, સરકારી સાક્ષી અને સરકારી વકીલોએ મળીને સત્તાધારી પક્ષ ભાજપના ઈશારે એક આદિવાસી નેતાને ફસાવવાનું મોટું ષડયંત્ર રચ્યું છે. હવે જે કથિત વીડિયો સામે આવ્યો છે, તેનાથી અમારી એ વાત અક્ષરશ સાચી સાબિત થઈ છે." 'આપ' ના ધારાસભ્યએ વધુમાં આક્ષેપ કર્યો કે, હાઈકોર્ટના સરકારી વકીલે પોતે સ્વીકાર્યું છે કે તેમને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી કાર્યાલય તરફથી સીધી ગાઈડલાઈન અને સૂચનાઓ મળી રહી હતી અને તે જ કટોકટીભરી વ્યૂહરચના મુજબ કોર્ટમાં કાનૂની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી. ઈટાલિયાના કહેવા મુજબ, સામાન્ય વહીવટી નિયમો અનુસાર આવી કોઈ પણ કાનૂની સૂચનાઓ જે-તે સંબંધિત વિભાગના સત્તાવાર અધિકારીઓ મારફતે જતી હોય છે, પરંતુ આ હાઈ-પ્રોફાઈલ કેસમાં કાયદાની મર્યાદાઓ નોવેલ તરીકે ઓળખાવી સીધી રાજકીય દખલગીરી કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાએ આડકતરો પ્રહાર કરતા જણાવ્યું કે, ડેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં જ્યારે હજારોની મેદનીમાં આદિવાસી સમાજ એકત્ર થયો અને વિરોધ પ્રદર્શનો શરૂ થયા ત્યારે જ સરકારનો આ કડક અભિગમ અચાનક બદલાયો છે.

  • ભગવાન બિરસા મુંડાના આશીર્વાદ ચૈતરની સાથે: આદિવાસી સમાજ
  • આદિવાસી સમાજનાં સંમેલનમાં નારો:એક જ ચાલે..ચૈતર ચાલે
  • હજારો લોકો ડેડિયાપાડામાં ઉમટી પડી ચૈતર વસાવાને જેલમાં નાંખવાનો વિરોધ કર્યો

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તથા તેમના પરિવાર અને આદિવાસી સમાજના બીજા આગેવાનો સહિતનાને કોર્ટે વનકર્મીઓ પર હુમલાના કેસમાં ૭ વર્ષની કેદની સજા ફટકારી છે. ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં ડેડીયાપાડા ખાતે ‘સામાજિક જનસમર્થન સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ સહિત ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી સંગઠનો તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાના આશીર્વાદ લઈને નીકળેલા ચૈતરભાઈ વસાવાને ત્રણ વખત જેલમાં નાંખવામાં આવ્યા છે, તેથી હવે આ લોકોને જડબાતોડ જવાબ આપવાનો છે. ચૈતર વસાવાનો ગુનો એટલો જ હતો કે તેમણે જળ, જંગલ અને જમીનના મુદ્દે સરકાર સામે બાથ ભીડી હતી. જ્યાં સુધી ચૈતર વસાવા છે ત્યાં સુધી કોઈ કંપનીની તાકાત નથી કે જંગલની જમીનો પડાવી શકે. ચૈતરભાઈ એકલા નથી, તેમની સાથે આખી ટાઈગર સેના ઉભી છે. ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે છે એટલે તેમને દબાવવાની કોશિશો થઈ રહી છે. આદિવાસી સમાજમાં ભાગલા પાડવા માટે ભાજપના નેતાઓએ ષડયંત્ર રચ્યું છે. અંબાજીથી ઉમરગામ સુધી ફક્ત એક જ નારો બોલાઈ રહ્યો છે, "એક જ ચાલે... ચૈતર ચાલે...." વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે આદિવાસી સમાજ કોઈના બાપથી ડરતો પણ નથી અને ઝૂકતો પણ નથી. ભાજપને કહી દો કે ચૈતર વસાવા એકલા નથી, કરોડો આદિવાસી સમાજના લોકો તેમની સાથે છે. આપણે જેલ ભરો આંદોલન કરવાનું છે. એક કરોડ આદિવાસી સમાજને ભરવા માટે કોઈ જેલ બની નથી. પોલીસને કહું છું કે આ આદિવાસી સમાજને ભાજી-મૂળા સમજવાની ભૂલ ન કરે. હવે લાફા વાળી નહીં, હવે ભાજપીયાઓને ભગાડવાનો વારો છે.