રાજકોટ જિલ્લામાં કૃષિ સંકટ ઘેરાયું: માત્ર 24% જ વાવેતર
જિલ્લામાં મગફળીનું 81 હજાર હેક્ટર કપાસનું 31 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે
-
ગત વર્ષે 3 જુલાઈમાં 94% વાવેતર પૂર્ણ થયું હતું આ વર્ષે માત્ર 24%
-
વરસાદ ખેંચાતા હજુ વાવેતર કરી રહ્યા નથી
-
રાજકોટ જિલ્લામાં વાવણીલાયક વરસાદની અછતને કારણે ખેડૂતો ચિંતામાં
વરસાદનું તારણ ચિંતાજનક
-
ગત વર્ષે 3 જુલાઈએ 23% વરસાદ પડી ગયો હતો
-
આ વર્ષે માત્ર 10% વરસાદ નોંધાયો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ જિલ્લામાં આ વર્ષે વરસાદે મોં ફેરવતા કૃષિ ક્ષેત્રમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ગત વર્ષની સરખામણીએ વરસાદ ખૂબ ઓછો નોંધાતા વાવેતર પર સીધી અસર પડી છે અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગત વર્ષે ૩ જુલાઈ સુધીમાં જિલ્લામાં અંદાજે ૨૩ ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે આ વર્ષે એ જ સમયગાળામાં માત્ર ૧૦ ટકા વરસાદ નોંધાયો છે. વરસાદની આ ભારે ખેંચના કારણે વાવેતરની ગતિ ધીમી પડી ગઈ છે.
આંકડાઓ પર નજર કરીએ તો ગત વર્ષે ૩ જુલાઈ સુધીમાં લગભગ ૯૪ ટકા વાવેતર પૂર્ણ થઈ ગયું હતું, જ્યારે આ વર્ષે માત્ર ૨૪ ટકા જ વાવેતર થઈ શક્યું છે. આ તફાવત ખેડૂતો માટે ચિંતાજનક સંકેત છે. હાલ સુધીમાં જિલ્લામાં મગફળીનું અંદાજે ૮૧,૦૦૦ હેક્ટર અને કપાસનું લગભગ ૩૧,૦૦૦ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જ્યારે ગત વર્ષે કુલ ૫.૨૫ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું, જેમાં મગફળીનું ૩.૩૦ લાખ હેક્ટર અને કપાસનું ૧.૮૧ લાખ હેક્ટર વિસ્તાર સમાવેશ થતો હતો. વરસાદ ખેંચાતા ઘણા ખેડૂતો હજુ વાવેતર કરવા માટે તૈયાર નથી, કારણ કે જમીનમાં ભેજની ભારે અછત છે. વાવણીલાયક વરસાદ ન પડતા હાલ સ્થિતિ કફોડી બની ગઈ છે. જો નજીકના સમયમાં સારો વરસાદ નહીં પડે, તો ખેડૂતોએ ભારે નુકસાન સહન કરવું પડી શકે છે અને તેની સીધી અસર કૃષિ ઉત્પાદન તેમજ સ્થાનિક અર્થતંત્ર પર જોવા મળશે.
- ગુજરાતમાં સિઝનનો માત્ર 8.46% જેટલો જ વરસાદ
- 251 તાલુકામાં અત્યાર સુધી 129 તાલુકાઓમાં 0 થી 50 મિમી વરસાદ નોંધાયો
| 68 તાલુકાઓમાં 51થી 125 મિમી | દક્ષિણ ગુજરાતમાં 10.39% વરસાદ |
| 37 તાલુકાઓમાં 126થી 250 મિમી | સૌરાષ્ટ્રમાં 10.45% વરસાદ |
| 16 તાલુકાઓમાં 251થી 500 મિમી | મધ્ય ગુજરાતમાં 7.58% વરસાદ |
| એક તાલુકામાં 501થી 1000 મિમી | કચ્છમાં 0.40% વરસાદ નોંધાયો |