મહાપાલિકા કટકીમાં મશગુલ? પ્રજાએ ‘મહેનત’ના 245 કરોડ 3 મહિનામાં વેરો ભર્યો
ઈમાનદાર નાગરિકો આગળ આવ્યા | 3.44 લાખ કરદાતાઓએ કરોડોનો વેરો ભરી RMCની તિજોરી છલકાવી
3.44 લાખ પૈકી 2.69 લાખ કરદાતાઓએ ઓનલાઈન વેરો ચૂકવ્યો
રાજકોટમાં કુલ 6 લાખ મિલકતો પૈકી 3.50 લાખ કરદાતાઓએ મિલકત વેરો એડવાન્સ ભરી દીધો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટનાં ઈમાનદાર કરદાતાઓએ મનપાની તિજોરીને છલકાવી દીધી છે. ચાલુ વર્ષે ૭ એપ્રિલથી લઈને જૂનનાં અંત સુધી એટલે કે માત્ર ત્રણ મહિનામાં કુલ ૩.૪૪ લાખ કરદાતાઓએ મનપાની તિજોરીમાં રૂ. ૨૪૫ કરોડ ચૂકવી દેતા તંત્રનો વાર્ષિક ટાર્ગેટ ૬૦% જેટલો પૂરો થઈ ચૂક્યો છે. જોકે આ માટે મનપા તંત્ર દ્વારા ઈમાનદારીની ભેટ તરીકે કરદાતાઓને કુલ રૂ. ૨૭ કરોડ જેટલું વળતર આપવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વધુમાં વધુ લોકો દ્વારા ઓનલાઈન વેરો ભરવામાં આવ્યો હતો અને કુલ ૩.૪૪ લાખ પૈકી ૨.૬૯ લાખ કરદાતાઓએ ઓનલાઈન માધ્યમો દ્વારા પોતાનો વેરો ચૂકવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રિલ માસથી વેરા વળતરની યોજનાનો પ્રારંભ કરાયો હતો. પ્રથમ તબક્કે એપ્રિલથી મે અંત સુધીમાં મહિલા કરદાતાઓને ૧૫ ટકા તેમજ ઓનલાઈન ૧૬ ટકા પુરુષ કરદાતાઓને ૧૦ ટકા અને ઓનલાઈન વેરો ભરનારાને ૧૧ ટકા તેમજ સળંગ ત્રણ વર્ષ ઓનલાઈન વેરો ભરનારા પ્રમાણિક કરદાતાઓને વધુ ૧ ટકા વળતર અપાયું હતું.
આ પછી જૂન માસ દરમિયાન મહિલા કરદાતાઓને ૧૦ તેમજ પુરુષ કરદાતાઓને ૫ ટકા અને ઓનલાઈન વેરો ભરનારાને ૧ ટકા વધુ વળતર યોજના અમલમાં રાખવામાં આવી હતી. જૂન માસમાં આ વળતર યોજના પૂરી થઈ ત્યાં સુધીમાં મહાપાલિકામાં નોંધાયેલા ૬ લાખ કરદાતાઓમાંથી ૩,૪૪,૨૫૫ પ્રમાણિક કરદાતાઓએ રૂ. ૨૪૫.૪૫ કરોડનો વેરો ભરપાઈ કરીને મનપાની તિજોરી છલકાવી દીધી છે. આ સામે મહાનગરપાલિકાએ પણ રૂ. ૨૭.૧૨ કરોડ જેવું વળતર ચૂકવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા ઓનલાઈન વેરો ભરનારા કરદાતાઓને લાંબા સમયથી ૧ ટકા વધારાનું વળતર ચૂકવવામાં આવે છે. મનપાની આ પહેલને કારણે ડિજિટલ પેમેન્ટ કરનારા નાગરિકોની સંખ્યા સતત વધી રહી છે. ચાલુ વર્ષે પણ આ કારણે જ વેરા વળતરની યોજનામાં સૌથી વધારે કરદાતાઓએ પોતાના ટેક્સની જુદા-જુદા ઓનલાઈન માધ્યમો દ્વારા ચુકવણી કરી છે.
વેરો ભરપાઈ કરનારા કુલ ૩,૪૪,૨૫૫ કરદાતામાંથી ૨,૬૯,૧૨૦ કરદાતાઓએ રૂ. ૧૭૭.૧૦ કરોડ ઓનલાઈન વેરો ભરપાઈ કર્યો હતો અને ૧ ટકા વધુ વળતરનો લાભ લીધો હતો. જ્યારે ૭૫,૧૩૫ કરદાતાઓએ રૂ. ૩૦.૨૨ કરોડ ચેક મારફત અને ૩૭.૬૩ કરોડ રોકડથી વેરો ભરપાઈ કર્યો હતો. મનપાનાં વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે પણ વેરા વળતર યોજનાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને મનપામાં નોંધાયેલી કુલ ૬ લાખ મિલકતો પૈકી અંદાજે ૩.૫૦ લાખ મિલકત ધારકોએ પોતાનો વેરો એડવાન્સમાં ભરી દેતા રૂ. ૨૪૫ કરોડની આવક થઈ છે. એડવાન્સ વેરો ભરનારા તમામ કરદાતાઓને મળીને રૂ. ૨૭ કરોડથી વધુ વળતર પણ આપવામાં આવ્યું છે. બાકી રહેલા ૨.૫૦ લાખ મિલકત ધારકો પણ પોતાનો વેરો ઝડપથી ભરીને સિલિંગ જેવી કડક કાર્યવાહીથી બચે તેવી અપીલ પણ તેમણે કરી છે.