એક મહિનો થયો પણ પુસ્તકો નહીં: ધો.9થી 12નાં વિદ્યાર્થીઓ મુંઝવણમાં
QR કોડ સ્કેન કરી સ્માર્ટ બોર્ડથી ભણાવવા શિક્ષકો મજબૂર
રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ સહિતની સ્કૂલોમાં હજુ અનેક પુસ્તકો મળ્યા નથી
સિટી ન્યૂઝ@રાજકોટ
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના ગુજરાતી મીડીયમના પાઠ્યપુસ્તકો શૈક્ષણિક સત્ર શરૂ થયાના એક મહિના બાદ પણ ન આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ધોરણ ૯માં અંગ્રેજી તો ધોરણ ૧૦માં ગુજરાતી અને અંગ્રેજીનું પાઠ્યપુસ્તક હજુ આવ્યુ જ નથી. જ્યારે ધોરણ ૧૧ અને ૧૨ સામાન્ય પ્રવાહમાં ૫ વિષયોના પાઠ્યપુસ્તકો ન આવતા શિક્ષકો દુવિધામાં મુકાઈ ગયા છે કે વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવવું. અગાઉ DEO ના જણાવ્યા પ્રમાણે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કાગળ મોડા આવતા પાઠ્યપુસ્તકો છાપવામાં મોડું થયું છે પરંતુ શૈક્ષણિક સત્ર શરૂ થયાના એક મહિના બાદ પણ પાઠ્યપુસ્તકો ન આવતા મોટી મુશ્કેલી ઊભી થઈ છે.
- ધો.10 અને 12ના આટલા પુસ્તકો આવ્યા નથી: આચાર્ય જયેશ વસોયા
રાજકોટની એ. એસ. ચૌધરી હાઇસ્કૂલના આચાર્ય ડૉ.જયેશ વસોયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માધ્યમિક પાઠ્યપુસ્તક મંડળ દ્વારા મોટાભાગના પુસ્તકો આવી ગયા છે પરંતુ ધોરણ ૯ માં અંગ્રેજી અને ધોરણ ૧૦ માં અંગ્રેજી અને ગુજરાતીના પાઠ્યપુસ્તકો હજુ આવ્યા નથી. આ સિવાય ધોરણ ૧૧ અને ૧૨ના ૪થી ૫ પુસ્તકો મળ્યા નથી. ધોરણ ૧૧ સામાન્ય પ્રવાહમાં ગુજરાતી, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ભૂગોળ, નામાના મૂળતત્વોના પુસ્તકો બાકી છે જ્યારે ધોરણ ૧૨ માં ગુજરાતી, અંગ્રેજી, નામના મૂળ તત્વો ભાગ -૨, સમાજશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્રના પુસ્તકો બાકી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ પાઠ્ય પુસ્તકો નથી તેથી અહીં ધોરણ ૯થી ૧૨ માં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પાઠ્ય પુસ્તકોમાંથી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ક્યુ.આર. કોડ સ્કેન કરી સ્માર્ટ બોર્ડની મદદથી વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જે લિંક વિદ્યાર્થીઓને પણ આપવામાં આવી રહી છે. જેથી વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેઠા બેઠા પણ અભ્યાસ કરી શકે છે.
તેમણે અંતમાં જણાવ્યું હતું કે, ગઈકાલે પાઠ્યપુસ્તક મંડળ સાથે થયેલી વાતચીત મુજબ બે દિવસમાં પાઠ્યપુસ્તકો મળી જશે તેવી બાંયધરી આપવામાં આવી છે. જેથી થોડા દિવસોમાં વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર થશે. નોંધનીય છે કે, ગત ૮ જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું તેના એક મહિના બાદ પણ પૂરા પાઠ્યપુસ્તકો ન આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે વાલીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે.