Loading Please Wait !!!
અમીરોનું શહેર મુંબઈ: 90 અબજોપતિઓ સાથે વિશ્વમાં પાંચમું સ્થાન

ગ્લેમર રિચ લિસ્ટ | દુનિયાના સૌથી અમીર શહેરોની યાદી જાહેર

ટોપ 10 શહેરમાં દિલ્હી સામેલ 63 અબજોપતિ રહી રહ્યા છે

સિટી ન્યૂઝ@મુંબઈ

દુનિયાભરમાં આર્થિક ઉથલપાથલ વચ્ચે પણ સુપર-રિચ એટલે કે અબજોપતિઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જ જાહેર થયેલા લેટેસ્ટ હુરુન ગ્લોબલ રિચ લિસ્ટના આંકડા અનુસાર, વૈશ્વિક સ્તરે અબજોપતિઓની કુલ સંખ્યા વધીને ૪,૦૨૦ પર પહોંચી ગઈ છે.

રસપ્રદ વાત એ છે કે આ અબજોપતિઓ કોઈ એક દેશ પૂરતા મર્યાદિત નથી, પરંતુ વિશ્વના કેટલાક ખાસ મહાનગરો આ ધનકુબરો માટે હોટસ્પોટ બન્યા છે. આ વૈશ્વિક રેન્કિંગમાં અમેરિકા, ચીન, યુરોપ અને ભારત વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.

આ યાદીમાં બીજા સ્થાન પર ચીનના શહેરે કબજો કર્યો છે. ચીનનું ટેકનોલોજી હબ ગણાતું શેનઝેન ૧૩૨ અબજોપતિઓ સાથે બીજા ક્રમે આવી ગયું છે. ત્યારબાદ શાંઘાઈ ૧૨૦ અબજોપતિઓ સાથે ત્રીજા અને દેશની રાજધાની બેઈજિંગ ૧૦૭ અબજોપતિઓ સાથે ચોથા ક્રમે છે. આ ત્રણેય શહેરો મળીને ન્યૂયોર્ક કરતાં પણ બમણાથી વધુ અબજોપતિઓ ધરાવે છે.

યુરોપ ખંડની વાત કરીએ તો, યુનાઈટેડ કિંગડમની રાજધાની લંડન ૧૦૨ અબજોપતિઓ સાથે વિશ્વમાં પાંચમા ક્રમે છે. રિયલ એસ્ટેટ, રિટેલ સેક્ટર અને મજબૂત ફાઈનાન્સિયલ સિસ્ટમને કારણે લંડન સમગ્ર યુરોપમાં અમીરોની પહેલી પસંદ બનેલું છે. ભારત માટે ગર્વની વાત એ છે કે દેશની આર્થિક રાજધાની મુંબઈ ૯૫ અબજોપતિઓ સાથે આ વૈશ્વિક યાદીમાં છઠ્ઠા ક્રમે છે. જોકે, અગાઉ મુંબઈ એશિયાનું સૌથી ધનિક શહેર બન્યું હતું, પરંતુ આ વર્ષે શેનઝેને તેને પાછળ છોડી દીધું છે. ભારતની આર્થિક પ્રગતિ અને ઉદ્યોગ સાહસિકતાના કારણે મુંબઈ ઉપરાંત દેશની રાજધાની દિલ્હી પણ ૬૪ અબજોપતિઓ સાથે આ રેન્કિંગમાં ૧૧મા સ્થાન પર મજબૂત પકડ ધરાવે છે.

દેશમાં 31 હજાર નવા કરોડપતિ બન્યા!

ભારતમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન ૩૧૦૩૩ નવા કરોડપતિ બન્યા છે. વર્ષ ૨૦૨૪ની તુલનામાં દેશમાં ૩.૪ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે એટલે કે સરેરાશ દરરોજ ૮૫ લોકો આ યાદીમાં સામેલ છે. આ જાણકારી મંગળવારે સ્વિસ બેન્ક યુબીએસના વાર્ષિક વૈશ્વિક સંપત્તિ રિપોર્ટમાં બહાર આવી છે. રિપોર્ટ અનુસાર ગત વર્ષે દુનિયાભરમાં કુલ અંગત સંપત્તિમાં ૧૦.૮ ટકાનો વધારો નોંધાયો છે, તે ૨૦૨૪માં ૪.૬ ટકા અને ૨૦૨૩માં ૪.૨ ટકા હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મજબૂત બજારે આ વધારામાં મહત્વની ભૂમિકા ભજવી છે. દુનિયાભરમાં લગભગ ૧૦ લાખ નવા કરોડપતિ એટલે કે સરેરાશ દરરોજ ૨૬૦૦ લોકો આ યાદીમાં સામેલ થયા છે. નવા કરોડપતિઓમાં લગભગ અડધી ભાગીદારી અમેરિકાની રહી, જ્યાં ૪.૪૦ લાખથી વધુ નવા કરોડપતિ બન્યા, જ્યારે યુરોપમાં અમેરિકી ડોલરના હિસાબે સંપત્તિમાં સૌથી ઝડપી વધારો નોંધાયો છે. રિપોર્ટ મુજબ ભારતમાં હાલમાં કુલ ૯.૪૪ લાખ કરોડપતિ છે. જ્યારે, અમેરિકામાં સૌથી વધુ ૨.૩૬ કરોડ લોકોની સંપત્તિ કરોડો રૂપિયામાં છે, જ્યારે ત્યાર પછી ચીનમાં ૫૩ લાખ અને જાપાનમાં ૨૯ લાખ લોકો કરોડપતિ છે. બેન્કે કહ્યું છે કે સરેરાશ સંપત્તિ વધવા છતાં ૨૦૨૦થી અસમાનતા વધી છે. બેન્કે જણાવ્યું હતું કે મોટાભાગના દેશોમાં મધ્યમ સંપત્તિમાં ઘટાડો થયો છે, જે સૌથી અમીર લોકો અને આમ જનતા વચ્ચે વધતી ખાઈને બતાવે છે.

દુનિયાના 10 અમીરોમાં ક્યાં દેશ

ક્રમ શહેર દેશ સંખ્યા
1 ન્યૂયોર્ક અમેરિકા 129
2 લંડન બ્રિટન 97
3 શાંઘાઈ ચીન 92
4 બેઈજિંગ ચીન 91
5 મુંબઈ ભારત 90
6 શેનઝેન ચીન 85
7 હોંગકોંગ ચીન 74
8 મોસ્કો રશિયા 69
9 નવી દિલ્હી ભારત 63
10 સાન ફ્રાન્સિસ્કો અમેરિકા 55