કાશ્મીરી ધર્મગુરુ આગા સૈયેદને દિલ્હી એરપોર્ટ પર ઈરાન જતા રોક્યા
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
આગા સૈયદ હસન મૌસાવીના પુત્ર અને મહેબૂબા મુફ્તીની પાર્ટી, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના ધારાસભ્ય આગા મુન્તઝીર મેહદીએ આ સમગ્ર ઘટના અંગે સનસનીખેજ દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, ગુરુવારે (૨ જુલાઈ) જ્યારે તેમના પિતા ઈરાન જવા માટે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને અટકાવ્યા હતા. મૌસાવીને આ અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ઈરાન સરકાર તરફથી સત્તાવાર અને માનદ આમંત્રણ મળ્યું હતું.
ધારાસભ્ય આગા મુન્તઝીર મેહદીના દાવા પ્રમાણે, નવી દિલ્હીમાં ઈમિગ્રેશન અધિકારીઓએ તેમના પિતા સમક્ષ ઈરાન જવા માટે કેટલીક આકરી શરતો મૂકી હતી. અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આગા હસન ફક્ત ત્યારે જ તેહરાન જઈ શકે છે જો તેઓ ત્યાં જઈને ભારતના સત્તાવાર ભૌગોલિક-રાજકીય વલણ વિરુદ્ધ કોઈ નિવેદનબાજી ન કરે અથવા કાશ્મીરમાં તાજેતરમાં થયેલી ધરપકડો અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે આંતરરાષ્ટ્રીય મંચ પર કોઈ ચર્ચા ન કરે.
મુન્તઝીરના જણાવ્યા અનુસાર, તેમના પિતા આગા હસને દિલ્હીમાં હાજર સુરક્ષા અને ઈમિગ્રેશન અધિકારીઓને ખાતરી આપી હતી કે તેઓ કોઈ રાજકીય એજન્ડા સાથે ત્યાં જઈ રહ્યા નથી. તેઓ માત્ર આયાતુલ્લાહ ખામેનીના અંતિમ સંસ્કારમાં એક ધાર્મિક નેતા તરીકે હાજરી આપવાના છે અને ત્યાં કોઈ ભાષણ આપવાના નથી. આમ છતાં, તેમણે રાષ્ટ્રીય હિતો અને શરતોના કાગળો પર સહી કરવાનો અથવા સત્તાવાળાઓની શરતોનું આંધળું પાલન કરવાનો ઈનકાર કરી દીધો હતો.
અહેવાલો અનુસાર, આ વિવાદ વધતા ઈમિગ્રેશન બ્યુરોના વરિષ્ઠ અધિકારી અજય સિંહ દ્વારા તાત્કાલિક એક સત્તાવાર મેમો જારી કરવામાં આવ્યો હતો. આ મેમો હેઠળ આગા સૈયદ હસન મુસાવીનો પાસપોર્ટ અને ટ્રાવેલ દસ્તાવેજો સ્થળ પર જ જપ્ત કરી લેવાયા હતા અને વધુ કાયદાકીય તપાસ અને જરૂરી કાર્યવાહી માટે શ્રીનગર સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસને મોકલી આપવામાં આવ્યા છે.
અત્રે નોંધનીય છે કે ઈરાન સરકાર દ્વારા સ્વર્ગસ્થ આયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે ભારતમાંથી ખાસ કરીને કાશ્મીરના પાંચ અગ્રણી નેતાઓને સત્તાવાર આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.