Loading Please Wait !!!
ધર્મેન્દ્ર પ્રધાન મંત્રી પદ છોડીને સંગઠનમાં ? ગડકરીને મજબુત પોર્ટફોલિયો આપશે?

મોદી 3.0 ટીમ તૈયાર: ગમે ત્યારે નવા કેબિનેટ મંત્રીઓની જાહેરાત

18 જુલાઈથી શરૂ થઈ રહેલા મોન્સુન સત્ર પહેલા મોટો નિર્ણય લેવાઈ તેવી શક્યતા

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

મોદી સરકારની કેબિનેટમાં ટૂંક સમયમાં મોટો ફેરબદલ થવાની અટકળોએ જોર પકડ્યું છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે કે તેમને મંત્રી પદેથી હટાવીને સંગઠનમાં નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે અથવા તેઓ પદ પર યથાવત રહેશે. બીજી તરફ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લઈને પણ મોટી ચર્ચા છે કે પીએમ મોદી તેમને સરકારમાં કોઈ નવી અને મોટી જવાબદારી આપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીતિન ગડકરીને એક કરતાં વધુ મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી શકે છે. હાલમાં તેઓ છેલ્લા ૧૨ વર્ષથી રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય સંભાળી રહ્યા છે. કેબિનેટમાં આ ફેરફાર ક્યારે થશે તે અંગે સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ ૧૮ જુલાઈથી શરૂ થઈ રહેલા મોન્સુન સત્ર (ચોમાસુ સત્ર) પહેલાં આ મોટો નિર્ણય લેવાઈ શકે છે. આ ફેરબદલમાં NDA કેટલાક ચોંકાવનારા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન આપી શકે છે. RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસની કેબિનેટમાં એન્ટ્રી થવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે, કારણ કે વર્તમાન નાણામંત્રી નિર્મલા સીતારમણને કોઈ નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ સિવાય, 'આપ' (AAP)માંથી ભાજપમાં જોડાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે. સાથે જ, તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી બળવો કરીને આવેલા સાંસદો સુવેન્દુ શેખર રે અને સંદીપ બંદોપાધ્યાયના નામો પણ ચર્ચામાં છે.

ભાજપની કેન્દ્રીય ટીમ અને કેબિનેટમાં ફેરફારની અટકળો વચ્ચે ગુરુવારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભાજપના મહાસચિવ બી.એલ. સંતોષ પણ હાજર હતા. જાન્યુઆરીમાં પ્રમુખ બનેલા નીતિન નવીનની નવી ટીમમાં વરિષ્ઠ અને યુવા નેતાઓને સમાન સ્થાન મળી શકે છે. એવું પણ કહેવાય રહ્યું છે કે કેન્દ્રીય કેબિનેટ અને ભાજપ સંગઠનની નવી ટીમની જાહેરાત એકસાથે કરવામાં આવશે. નવા ચહેરાઓને સ્થાન આપવા માટે કેટલાક વર્તમાન મંત્રીઓને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. અટકળો મુજબ, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને રવનીત સિંહ બિટ્ટુને કેબિનેટમાંથી હટાવવામાં આવી શકે છે.

મોદી કેબિનેટમાંથી 6 મંત્રીઓ હટાવાશે ?

9 નવા ચહેરાઓનો સમાવેશ થવાની અટકળો

૧. ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણ મંત્રી: ધર્મેન્દ્ર પ્રધાનના શિક્ષણ મંત્રી રહેતા ૫ મોટી બેદરકારીઓ થઈ- ૨૦૨૬માં NEET પેપર લીક, CBSE બોર્ડની કોપી ચેકિંગમાં ગરબડ, UGC ઇક્વિટી ગાઇડલાઇન્સ, ૨૦૨૪માં UGC-NET પેપર લીક અને ૨૦૨૦માં આવેલી નવી શિક્ષણ નીતિ લાગુ કરવામાં વિલંબ. તેના કારણે કેન્દ્ર સરકાર વારંવાર બેકફૂટ પર જોવા મળી.

૨. હરદીપ સિંહ પુરી, પેટ્રોલિયમ મંત્રી: સેક્સ સ્કેન્ડલ 'એપસ્ટીન ફાઇલ્સ' માં પુરીનું નામ જોડાયું. ફેબ્રુઆરીમાં કોંગ્રેસે દાવો કર્યો કે ૨૦૧૪-૧૭ વચ્ચે પુરીએ જેફરી એપસ્ટીન સાથે ૬૨ ઈમેઈલ એક્સચેન્જ અને ૧૪ મીટિંગ્સ કરી.

૩. રવનીત સિંહ બિટ્ટુ, રેલ રાજ્યમંત્રી: ૩ જૂને બિટ્ટુએ આગામી વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાની ઈચ્છા જાહેર કરી. તેમણે કહ્યું, 'મેં લોકસભા અને રાજ્યસભામાં ૧૭ વર્ષ પૂરા કરી લીધા છે. મેં મારો સામાન પેક કરી લીધો છે અને પંજાબ જવા માટે સંપૂર્ણ તૈયાર છું.'

૪. પંકજ ચૌધરી, નાણા રાજ્યમંત્રી: ભાજપની ઈન્ટરનલ પોલિસી એક વ્યક્તિ, એક પદ હેઠળ ચૌધરીને મોદી કેબિનેટમાંથી મુક્ત કરવામાં આવી શકે છે, જેથી ૨૦૨૭ યુપી વિધાનસભા અને ૨૦૨૯ લોકસભા ચૂંટણી માટે તેમનું પૂરું ફોકસ સંગઠન અને ઈલેક્શન મેનેજમેન્ટ પર રહે.

૫. હર્ષ મલ્હોત્રા, સહકારિતા રાજ્યમંત્રી: ભાજપની 'એક વ્યક્તિ, એક પદ' ની નીતિ હેઠળ ૬૨ વર્ષના મલ્હોત્રાને કેબિનેટમાંથી હટાવવામાં આવી શકે છે.

૬. જ્યોર્જ કુરિયન, લઘુમતી બાબતોના રાજ્ય મંત્રી: ૨૩ જૂને મોદી કેબિનેટના એકમાત્ર ખ્રિસ્તી મંત્રી કુરિયને રાજીનામું આપી દીધું, ખરેખર, ૨૧ જૂને કુરિયનનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. પાર્ટીએ તેમને ફરીથી તક આપી નહીં.