Loading Please Wait !!!
પોરબંદરમાં સ્વ. ભૂરા મુંજનો કરોડોનો બંગલા પર કબજા બદલ હિરલબા જાડેજા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો

હિરલબા 13 મહિનાથી જૂનાગઢ જેલમાં કેદ

સિટી ન્યૂઝ@પોરબંદર

પોરબંદરમાં છેલ્લા ૧૩ મહિનાથી વિવિધ ગંભીર ગુનાઓમાં જૂનાગઢ જેલમાં બંધ હિરલબા જાડેજાની મુશ્કેલીઓમાં કાયદાકીય રીતે મોટો વધારો થયો છે. પોરબંદરની લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા હિરલબા જાડેજા વિરુદ્ધ જમીન હડપી લેવા અંગે ફરિયાદ નોંધાવવાનો કડક હુકમ કરવામાં આવ્યો છે. આ આદેશના પગલે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર હાઈપ્રોફાઈલ મામલાની વિગત એવી છે કે, કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભૂરા મુંજના વિદેશ ખાતે વસતા પત્ની ચૌલાદેવી ભૂરા કડછાએ કલેક્ટર કચેરીમાં ન્યાય માટે અરજી કરી હતી. ચૌલાદેવીના દાવો છે કે પોરબંદરમાં આવેલો કિંમતી ‘સૂરજ પેલેસ’ બંગલો કાયદેસર રીતે તેમના નામે હોવા છતાં, હિરલબા જાડેજા દ્વારા તેના પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી લેવામાં આવ્યો હતો. આ અરજીના આધારે લેન્ડ ગ્રેબિંગ કમિટીએ ઊંડાણપૂર્વક તપાસ કરીને હિરલબા સામે ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો.

આ ફરિયાદ દાખલ થયા બાદ હવે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કરોડોની કિંમતના ‘સૂરજ પેલેસ’ બંગલાનો કાયદેસરનો કબજો મૂળ માલિક ચૌલાદેવીને પરત અપાવવા માટેની કાનૂની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. હિરલબા જાડેજા પહેલેથી જ છેલ્લા ૧૩ મહિનાથી વધુ સમયથી જૂનાગઢ જેલમાં સજા કાપી રહ્યા છે, ત્યારે આ નવી કલમો અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદથી તેમની જેલ મુક્તિના આશા પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે અને કાનૂની ગાળિયો વધુ મજબૂત બન્યો છે.