બાર કાઉન્સિલની એનરોલમેન્ટ કમિટીમાં 3 સભ્યોની નિમણૂક
» હાઈ પાવર કમિટીએ કિશોર ત્રિવેદી, મનોજ અનડકટ અને ભરત ભગતની નિમણૂક કરી
» એડવોકેટ જનરલ અને BCI મેમ્બર વચ્ચેની ચર્ચા બાદ લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
» પેન્ડિંગ પડેલા અસંખ્ય ફોર્મની કાર્યવાહી હવે ઝડપી બનશે, નવા વકીલોને રાહત
સિટી ન્યૂઝ@અમદાવાદ
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) ના પત્રોના સંદર્ભે રચાયેલી હાઈ પાવર કમિટીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને બાર કાઉન્સિલની એનરોલમેન્ટ કમિટીમાં ૩ નવા સભ્યોની નિમણૂક કરી છે. આ નિમણૂકથી બાર કાઉન્સિલ ગુજરાતમાં નવા વકીલ તરીકે જોડાવા માંગતા અને અગાઉથી એનરોલમેન્ટ ફોર્મ ભરીને રાહ જોતા અસંખ્ય ઉમેદવારોની કાર્યવાહી હવે અત્યંત ઝડપી બનશે. અગાઉ BCI ના ૧૨, ૧૩ અને ૧૪ નંબરના પત્રોના સંદર્ભે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને BCI ના મેમ્બર દિલીપ પટેલ દ્વારા કો-ઓપ્ટ મેમ્બર તરીકે જે. જે. પટેલની નિમણૂક કરી હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીની રચના બાદ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને BCI મેમ્બર દિલીપ પટેલ વચ્ચે ટેલિફોનિક ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં નોંધવામાં આવ્યું હતું કે એનરોલમેન્ટ કમિટીની તાતી જરૂરિયાત છે, કારણ કે નવા વકીલોના ઘણા એનરોલમેન્ટ ફોર્મ પેન્ડિંગ પડ્યા છે. પેન્ડિંગ કામગીરીને વેગ આપવા માટે BCI મેમ્બર દિલીપ પટેલે ૨ સભ્યોની એનરોલમેન્ટ કમિટી માટે બાર કાઉન્સિલના સભ્યો કિશોર ત્રિવેદી અને ભરત ભગતની નિમણૂક કરવાની ભલામણ એડવોકેટ જનરલને કરી હતી. ત્યારબાદ અન્ય સભ્ય સાથેની વિસ્તૃત ચર્ચાના અંતે, આ બંને સભ્યોની સાથે મનોજ અનડકટની પણ નિમણૂક કરતો સત્તાવાર પત્ર બાર કાઉન્સિલને મોકલી આપવામાં આવ્યો છે. બાર કાઉન્સિલ ગુજરાતમાં નવા વકીલ બનવા ઇચ્છતા અસંખ્ય ઉમેદવારોએ એનરોલમેન્ટ ફોર્મ ભરેલા છે, પરંતુ કમિટીના અભાવે આ પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી. આ વચગાળાની એનરોલમેન્ટ કમિટીની રચનાથી હવે નોંધણીની કાર્યવાહી ઝડપથી પૂર્ણ થશે. BCI મેમ્બર દિલીપ પટેલે જણાવ્યું હતું કે, તેમની સતત જાગૃતતા અને હાઈ પાવર કમિટીના સંકલનથી બાર કાઉન્સિલના તમામ પેન્ડિંગ કાર્યો સત્વરે પૂર્ણ થશે. આ એનરોલમેન્ટ કમિટીની રચના બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા નિર્દેશોના પાલન અર્થે કરવામાં આવી છે.