રાજકોટ:બાલાજી હોસ્પિ.ની બેદરકારીથી ગર્ભાશય સર્જરી બાદ મહિલાનું મોત
- હોસ્પિટલ સામે પરીવારના ગંભીર આક્ષેપ
- પરિવારે શું કહ્યું
- ઓપરેશન સમયે સર્જન હાજર નહોતા ફોનથી માર્ગદર્શન આપ્યું હતું
રાજકોટ શહેરની બાલાજી હોસ્પિટલ સામે સારવારમાં બેદરકારીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ અને ડોકટરો સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સમગ્ર મામલે પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી જવાબદાર ડોકટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મૃતકના પુત્ર યશોષ પોબારૂના જણાવ્યા અનુસાર, ઓપરેશન પહેલાં જરૂરી લોહીના ટેસ્ટ કરવામાં આવ્યા નહોતા. હોસ્પિટલ દ્વારા સર્જનની જરૂર પડશે તો અલગથી ચાર્જ લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. પરિવારનો આરોપ છે કે, ઓપરેશન દરમિયાન સર્જનની જરૂર પડવા છતાં તેઓ હાજર નહોતા અને માત્ર ટેલિફોન પર માર્ગદર્શન આપીને ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરિવારનો વધુ આક્ષેપ છે કે, ઓપરેશન બાદ દર્દી લગભગ ૧૬થી ૨૦ કલાક સુધી બેભાન રહ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. પરિવારના જણાવ્યા મુજબ શરૂઆતમાં હોસ્પિટલ સ્ટાફે તેને સામાન્ય ગેસની તકલીફ જણાવી હતી.
- હોસ્પિટલે શું કહ્યું
- ઓપરેશન બાદ દર્દીને શ્વાસમાં તકલીફ અને નાડીના ધબકારા વધી ગયા હતા
આ સમગ્ર મામલે બાલાજી હોસ્પિટલના ડૉ. કવિતા લાધાણીએ સ્પષ્ટકરણ આપતાં જણાવ્યું કે, દર્દી ૨૭ તારીખે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ૨૮ તારીખે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ એક દિવસ સુધી દર્દીની સ્થિતિ સામાન્ય હતી અને દિવસમાં બે વખત તપાસ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે ૨૯ તારીખે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ અને નાડીના ધબકારા વધી ગયા હતા. ત્યારબાદ ફિઝિશિયન દ્વારા તપાસ કરવામાં આવી હતી અને છાતીમાં લોહીનો ગથ્થો (બ્લડ ક્લોટ) હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. સ્થિતિને ધ્યાનમાં રાખીને દર્દીને વધુ સારવાર માટે કાર્ડિયોલોજિસ્ટ પાસે ખસેડવામાં આવ્યા હતા. મહિલાના મોત બાદ પરિવારજનોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ પોલીસ અરજીના આધારે પ્રાથમિક વિગતોની ચકાસણી કરી રહી છે. સારવારમાં બેદરકારીના આક્ષેપો પરિવારજનોએ કર્યા છે. હોસ્પિટલ તરફથી આક્ષેપોને નકારી પોતાનું સ્પષ્ટકરણ આપવામાં આવ્યું છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ જવાબદારી અંગે સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થશે.