રાજકોટમાં ઈંધણ સંકટમાં બાબા બાગેશ્વરની કથાથી પેટ્રોલ તંગી ફેલાવવાની આશંકા
=> જાહેર વ્યવસ્થા અને આપત્તિ જેવી સ્થિતિમાં કલેક્ટર તાત્કાલિક નિર્ણય લઈ શકે છે
=> ઈંધણની તંગીમાં મોટો નિર્ણય જરૂરી : જનહિત માટે આયોજકો યોગ્ય નિર્ણય લે
=> સંકટના સમયમાં યોગ્ય નિર્ણય લેવો માત્ર આયોજન માટે નહીં, પરંતુ સમગ્ર સમાજની સુખાકારી માટે મહત્વપૂર્ણ હોય છે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં બાબા બાગેશ્વરની કથા યોજાવાની તૈયારીઓ વચ્ચે ઈંધણની સંભવિત તંગીને લઈને ગંભીર ચર્ચા ઉભી થઈ છે. તંત્રના સૂત્રો મુજબ હાલ જિલ્લામાં પેટ્રોલનો માત્ર 40 ટકા જેટલો જ સ્ટોક ઉપલબ્ધ છે, જેના કારણે આવનારા દિવસોમાં પરિસ્થિતિ વધુ પડકારજનક બની શકે છે.
આ પરિસ્થિતિ વચ્ચે મોટાપાયે ધાર્મિક કથાનું આયોજન થવાનું હોવાથી શહેરમાં ભારે ભીડ એકત્રિત થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. અંદાજ મુજબ કાર્યક્રમ દરમિયાન હજારો વાહનોના આવાગમનથી મોટી માત્રામાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ થઈ શકે છે, જેના કારણે ઈંધણની અછત વધુ તીવ્ર બનવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિક સ્તરે અનેક લોકો અને વિવિધ સંગઠનો દ્વારા આ મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મોટા સમારંભો અને ભીડવાળા કાર્યક્રમો
અંગે તંત્ર અને આયોજકોને ફરી વિચાર કરવો જોઈએ.
બાબા બાગેશ્વર રાજકોટ એરપોર્ટથી રાજકોટ આવશે ત્યારે કુવાડવા ગામ બોમ્બે સુપર સીડ્સ પાસે, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, શિવ શક્તિ હોટલ ડિમાર્ટ, પારેવડી ચોક, હોસ્પિટલ ચોકમાં ડો.બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી ચૌધરી હાઇસ્કૂલ, બહુમાળી ભવન ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી કિશાનપરા ચોક, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અને કોટેચા ચોક થઈ કિશોરભાઈ ખંભાયતાના ઘરે ઉતારો છે ત્યાં પહોંચશે.