Loading Please Wait !!!
AIIMS રાજકોટમાં અત્યાધુનિક વન-સ્ટોપ કેન્સર કેર સેન્ટર શરૂ

» એક જ છત નીચે સર્જરી, કીમોથેરાપી અને હાઈ–ટેક રેડિયોથેરાપીની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ
» શરીરમાં કાપો મૂક્યા વિના કેન્સરની ગાંઠ પર સચોટ સારવાર કરતી આધુનિક ટેકનોલોજી કાર્યરત
» આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને વિનામૂલ્યે સારવારનો લાભ મળશે

સિટી ન્યૂઝ@રાજકોટ

સૌરાષ્ટ્ર અને ગુજરાતના દર્દીઓ માટે આરોગ્ય ક્ષેત્રે એક અત્યંત રાહત અને ગૌરવના સમાચાર છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ AIIMS રાજકોટ દ્વારા કેન્સર સારવાર ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે, હવે AIIMS રાજકોટમાં સર્જરી, કીમોથેરાપી અને અત્યાધુનિક રેડિયોથેરાપી સહિતની તમામ મુખ્ય કેન્સર સારવાર સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બની છે. આ સાથે આ હોસ્પિટલ પ્રદેશનું સંપૂર્ણ ‘વન-સ્ટોપ કેન્સર કેર સેન્ટર’ બની ગયું છે.

અત્યાર સુધી કેન્સરના દર્દીઓએ સર્જરી અને કીમોથેરાપી બાદ રેડિયેશન સારવાર માટે અન્ય મોટા મહાનગરોમાં ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે AIIMS રાજકોટ ખાતે હાઈ એનર્જી લીનિયર એક્સિલેરેટર, CT સિમ્યુલેશન અને HDR બ્રેકીથેરાપી જેવી વૈશ્વિક ધોરણોની સુવિધાઓ શરૂ થઈ છે.

અહીં IMRT, VMAT, IGRT, SRS, SRT અને SBRT જેવી આધુનિક રેડિયેશન ટેકનિકો કાર્યરત કરાઈ છે. આ ટેકનિકો દ્વારા કેન્સરની ગાંઠ પર અત્યંત ચોકસાઈપૂર્વક નિશાન સાધી સારવાર આપી શકાય છે, જેથી આસપાસના તંદુરસ્ત અવયવોને નુકસાન થતું નથી અને સારવાર વધુ અસરકારક બને છે. તબીબી ભાષામાં આ આધુનિક સુવિધાઓને 'કાપો કર્યા વિનાની સર્જરી' તરીકે પણ ઓળખવામાં આવે છે.

મહિલાઓમાં થતા ગાયનેકોલોજિકલ કેન્સર તેમજ અન્ય જટિલ કેન્સરની સારવાર માટે HDR બ્રેકીથેરાપી સેવાઓ પણ સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે. અહીં જનરલ સર્જરી, ગાયનેકોલોજી, ENT, ઓર્થોપેડિક્સ અને ઓન્કોલોજી જેવા વિવિધ નિષ્ણાત વિભાગોના સંકલનથી મલ્ટી ડિસિપ્લિનરી કેન્સર સારવાર આપવામાં આવે છે. હેડ એન્ડ નેક, સ્તન, જઠરાંત્રિય અને હાડકાના કેન્સર સહિત વિવિધ પ્રકારના જટિલ કેન્સરની સારવાર હવે ઘરઆંગણે જ મળશે. સૌથી મોટી રાહતની વાત એ છે કે, AIIMS રાજકોટમાં ઉપલબ્ધ આ અદ્યતન કેન્સર સારવાર સેવાઓ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY - આયુષ્માન ભારત) હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. આ નિર્ણયથી આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના દર્દીઓને મોટો ફાયદો થશે અને તેમને ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચમાંથી મુક્તિ મળશે. AIIMS ની આ પહેલ સૌરાષ્ટ્રના નાગરિકો માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.