૧૨૧ વર્ષથી અડીખમ હોસ્પિટલ જ્યાં સેવા એવી કે આંખો નહીં, જિંદગી પ્રકાશિત થાય!
ચાર પેઢીની સેવા | કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલનો ગૌરવશાળી વારસો
૧૨૧ વર્ષની સેવા યાત્રા પ્રસંગે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પના આયોજન : શરૂઆત રાજકોટ સેન્ટ્રલ જેલથી કરશે
સિટી ન્યૂઝ | રાજકોટ
રાજકોટની જાણીતી અને સૌરાષ્ટ્રની વિશ્વસનીય આંખની સારવાર કરતી કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલ જે ગુજરાતની અગ્રગણ્ય હોસ્પિટલોમાં સ્થાન ધરાવે છે, તેને આ વર્ષે પોતાની સ્થાપનાના ગૌરવપૂર્ણ ૧૨૧ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. વર્ષ ૧૯૦૫માં સ્થપાયેલી આ હોસ્પિટલ માત્ર એક તબીબી સંસ્થા નથી, પરંતુ ચાર પેઢીઓથી અવિરત સેવા વિશ્વાસ, નૈતિકતા અને આંખની આધુનિક સારવારનો જીવંત વારસો છે.
૧૨૧ વર્ષની સેવા યાત્રાના ભાગરૂપે આગામી સમયમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પના આયોજન થવા જઈ રહ્યા છે, જે પૈકીનો પ્રથમ કેમ્પ રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે અને ત્યારબાદ રાજકોટ મેસોનિક હોલ ખાતે યોજાશે. માનનીય ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તથા નિર્વાણ વેલફેર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન તથા નેત્રમણિ લેન્સ આરોપણ જરૂરિયાત મુજબ બેતાલાશા ચશ્માની ફેમનું વિનામૂલ્યે વિતરણ તેમજ નિષ્ણાત નેત્રરોગ તબીબો દ્વારા આંખોની તપાસ, નિદાન અને યોગ્ય માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સેવાકિય પહેલનો લાભ લેવા માટે સર્વે જરૂરિયાતમંદ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. કેમ્પ અંગે વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે ૯૯૨૫૦ ૦૩૦૩૪ પર સંપર્ક કરી શકાશે.
ડો. કેશુભાઈ મહેતાના પુત્ર ડો. હેમેન્દ્રભાઈ જરૂરિયાતમંદોની નિસ્વાર્થ સેવા માટે સમર્પિત રહ્યા હતા અને સમયાંતરે આરોગ્ય શિબિરોનું આયોજન કરીને સેવાભાવની ઉજ્જવળ પરંપરા સ્થાપી હતી. તેમની મમતા, કરુણા અને સેવાપ્રવૃત્તિ તેમના જમાઈ મનોજભાઈ તુરખિયા માટે પણ પ્રેરણારૂપ બની હતી. હવે આ જ સેવાપરંપરાને આગળ ધપાવતા મનોજભાઈ તુરખિયાએ જરૂરિયાતમંદ દર્દીઓ માટે નેત્રમણી આરોપણમાં ઉદાર આર્થિક સહયોગ આપવાનો સંકલ્પ કર્યો છે.
આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પના આયોજનમાં ધારાસભ્ય ડો દર્શિતાબેન શાહ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી એડવોકેટ નિલેશભાઈ દોશી, સાગરભાઈ તોતલાણી, ડો. અમિતભાઈ હાપાણી અને ડો. ડી. જી. પટેલ સહિતના મહાનુભાવોનું વિશેષ માર્ગદર્શન અને સહયોગ સાંપડ્યો છે. ડો. અજય મહેતા દ્વારા આ સેવાકિય પહેલ થકી વધુમાં વધુ જરૂરિયાતમંદ નાગરિકો સુધી ગુણવત્તાયુક્ત આંખની સારવાર પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો અને જરૂરિયાતમંદ લોકોને આગામી સમયમાં યોજાનાર કેમ્પના લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
કેશુભાઈ મહેતા હોસ્પિટલના મુખ્ય સંચાલક ડો. અજયભાઈ મહેતાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, એક સદીથી વધુ સમય પહેલાં ડો. નરસિંહભાઈ દ્વારા આ સંસ્થાની પાયાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ડો. કેશુભાઈ મહેતાએ આ હોસ્પિટલના મૂળને મજબૂત બનાવ્યા અને આંખની સારવારને સમાજસેવા સાથે જોડવાનો ઉમદા સંકલ્પ આગળ વધાર્યો. આ સેવાયાત્રાને તેમના પુત્ર અને આંખના નિષ્ણાત ડો. ભરતભાઈ અને ડો. હેમેન્દ્રભાઈએ વધુ સમૃદ્ધ બનાવી, આજે આ ગૌરવશાળી પરંપરાને ડો. કેશુભાઈ મહેતાના પૌત્ર ડો. અજય મહેતા અને પૌત્રવધુ ડો. તેજલ મહેતા નવી દિશા, નવી ટેકનોલોજી અને આધુનિક તબીબી અભિગમ સાથે આગળ વધારી રહ્યા છે.
કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલ આજે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં આંખની નિદાન, સારવાર અને સર્જરી માટેનામ ધરાવે છે. હોસ્પિટલમાં આંખના સામાન્ય અને અત્યાધુનિક નિદાન પરીક્ષણો, આધુનિક સર્જરી સુવિધાઓ, નિષ્ણાત તબીબો અને દટીકેન્દ્રિત સારવાર વ્યવસ્થા ઉપલબ્ધ છે. દર વર્ષે લાખો દર્દીઓ અહીં આંખની સારવારનો લાભ મેળવે છે અને હજારો સફળ સર્જરીઓ દ્વારા દર્દીઓના જીવનમાં ફરી પ્રકાશ પાથરવાનો સેવાજ્ઞ સતત આગળ વધી રહ્યો છે.
હોસ્પિટલનું વિશેષ ગૌરવ એ છે કે કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલ સૌરાષ્ટ્રની એકમાત્ર આંખની હોસ્પિટલ છે, જેને નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર દ્વારા પૂર્ણ માન્યતા પ્રાપ્ત છે. આ માન્યતા હોસ્પિટલની ગુણવત્તાયુક્ત સારવાર, સુરક્ષા ધોરણો, વ્યવસ્થાપન અને દટી પ્રતિબદ્ધતાનો મજબૂત પુરાવો છે. ડો. નરસિંહભાઈ ટી. મહેતા અને ડો. કેશુભાઈ એન મહેતાના મૂલ્યો પરથી પ્રેરણા લઈ હોસ્પિટલ આજે પણ સમાજ પ્રત્યેની જવાબદારી, તબીબી નૈતિકતા અને માનવસેવાના ભાવ સાથે કાર્યરત છે. ૧૨૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલનો આ પ્રવાસ રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ગૌરવની વાત છે અને આવનારા સમયમાં પણ હોસ્પિટલ દ્રષ્ટિ સંભાળ ક્ષેત્રે વિશ્વાસ, સેવા અને આધુનિકતાનું પ્રતીક બની રહેશે.
સૌરાષ્ટ્રની એકમાત્ર આંખની હોસ્પિટલ જેને NABA ની પૂર્ણ માન્યતા પ્રાપ્ત છે