Loading Please Wait !!!
ભીલ પંચના ઉપક્રમે ડીજેના તાલે આદિવાસી સંસ્કૃતિ-પરંપરાની ઝાંખી

રાજકોટમાં 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની રેલી

સિટી ન્યૂઝ@રાજકોટ

આદિવાસી ભીલ પંચ-રાજકોટ (રજી. નં. A-૧૩૨) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે. આ નિમિત્તે રાજકોટ શહેરમાં આદિવાસી સમાજની સાંસ્કૃતિક વિરાસત, પરંપરા અને એકતાનો સંદેશ આપતી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

આદિવાસી ભીલ પંચની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, ૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ બપોરે ૩ વાગ્યે સમાજના લોકો એકત્રિત થશે અને બપોરે ૪ વાગ્યે ભવ્ય રેલીનો પ્રારંભ થશે. રેલીમાં ડીજે સિસ્ટમ સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી ધૂન અને વિવિધ સાંસ્કૃતિક રંગો વિશેષ આકર્ષણ બનશે.

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં રાજકોટ શહેરમાં વસતા સમસ્ત આદિવાસી સમાજના ભાઈઓ-બહેનોને

પરિવાર સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા ભીલ પંચ દ્વારા સ્નેહભર્યું આમંત્રણ પાઠવાયું છે. સમાજની આગવી સંસ્કૃતિ, પરંપરા અને એકતાને વધુ ગજબૂત બનાવવા સૌને સમયસર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા અનુરોધ કરાયો છે. ૯ ઓગસ્ટે વિશ્વભરમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ મૂળ નિવાસી આદિવાસી સમુદાયોના અધિકારોનું રક્ષણ કરવા સાથે તેમની આગવી સંસ્કૃતિ, ભાષા, સંગીત, કળા, જીવનશૈલી અને પરંપરાગત જ્ઞાનનું જતન કરવાનો છે. આ

ઉપરાંત જલ, જંગલ અને જમીન સાથે જોડાયેલા તેમના અધિકારો અંગે જાગૃતિ લાવવા તેમજ શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને સામાજિક-આર્થિક વિકાસના મુદ્દાઓ તરફ ધ્યાન દોરવાનો પણ આ દિવસનો ઉદ્દેશ છે.

પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણમાં આદિવાસી સમુદાયોની પરંપરાગત ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહી છે. સાદીઓથી પ્રકૃતિ સાથે સંકળાયેલી તેમની જીવનશૈલી અને પર્યાવરણલક્ષી જ્ઞાનને બિરદાવવો પણ આ દિવસ અવસર બની રહે છે.

  • સમાજજનોને પરિવાર સાથે જોડાવા આમંત્રણ
  • 1982ની પ્રથમ બેઠકની યાદમાં 9 ઓગસ્ટની પસંદગી

૯ ઓગસ્ટ, ૧૯૮૨ના રોજ જિનિવા ખાતે સંયુક્ત રાષ્ટ્રના વર્કિંગ ગ્રુપ ઓન ઇંડીજીનસ પૉપ્યુલેશનની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકની યાદમાં સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ ૨૩ ડિસેમ્બર, ૧૯૯૪ના રોજ દર વર્ષે ૯ ઓગસ્ટને વિશ્વના મૂળ નિવાસી લોકોના દિવસ તરીકે ઉજવવાની માન્યતા આપી હતી. ત્યારથી વિશ્વભરમાં આ દિવસે આદિવાસી સમુદાયોની સંસ્કૃતિ, અધિકારો અને સમાજ માટે તેમના યોગદાનને બિરદાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.