અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારથી ભારતને લાગ્યો જેકપોટ
- પેટ્રોલ અને ડીઝલ સસ્તા થશે, સામાન્ય નાગરિકો માટે મોંઘવારીમાંથી અત્યંત મોટી રાહત
- રૂપિયામાં વેપાર શરૂ થવાની આશા, 25 અબજ ડૉલરની સંપત્તિ મુક્ત કરાશે
- સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી ખૂલશે, ઓઇલ માર્કેટમાં ભારતનો દબદબો વધુ મજબૂત બનશે
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
અમેરિકા અને ઈરાન વચ્ચે 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા ભીષણ યુદ્ધનો આખરે ઐતિહાસિક શાંતિ કરાર સાથે અંત આવ્યો છે. પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતામાં થયેલી આ અત્યંત મોટી ડીલની પુષ્ટિ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે કરી છે. ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ટોલ ફ્રી ખોલવાની અને ઈરાનના બંદરો પરથી નૌસેનાની નાકેબંધી તાત્કાલિક અસરથી હટાવી લેવાની જાહેરાત કરી છે. આ વિસ્તારમાંથી દુનિયાનો આશરે 20% ઓઇલ અને એલએનજી સપ્લાય પસાર થાય છે, જે હવે રાબેતા મુજબ શરૂ થશે.
આ શાંતિ કરાર ભારત માટે સૌથી મોટી આર્થિક સંજીવની સમાન સાબિત થવા જઈ રહ્યો છે. ભારત પોતાની 80 થી 85% ક્રૂડ ઓઇલની જરૂરિયાત આયાત કરીને પૂરી કરે છે. હવે હોર્મુઝ વિસ્તારમાંથી સપ્લાય શરૂ થતાં અને ઈરાન પરથી ઓઇલ નિકાસના પ્રતિબંધો હળવા થતાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો નોંધાશે. તેનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે, મોંઘવારી પર કાબુ મેળવવામાં મદદ મળશે અને વિદેશી હૂંડિયામણ ભંડાર પરનું દબાણ ઘટતા રૂપિયો પણ વધુ મજબૂત બનશે.
આર્થિક ફાયદાની સાથે સાથે ભારતને આ ડીલથી અત્યંત મોટો વ્યૂહાત્મક ફાયદો પણ થશે, જેમાં ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ મુખ્ય છે. ઈરાનના ચાબહાર બંદરમાં ભારતે મોટું રોકાણ કર્યું છે, જે પાકિસ્તાનને બાયપાસ કરીને મધ્ય એશિયા સુધી પહોંચવાનો માર્ગ છે. કરારના ડ્રાફ્ટ મુજબ ઈરાનની 25 અબજ ડૉલરની સંપત્તિ મુક્ત કરાશે અને અમેરિકન દબાણ સાવ દૂર થઈ જશે. પરિણામે ભારત માટે વેપાર વધારવો અને ડૉલરના બદલે રૂપિયામાં ઓઇલ ખરીદવું ફરી એકવાર શક્ય બનશે.
અર્થતંત્ર માટે નવી ઐતિહાસિક દિશા અમેરિકા અને ઈરાન વચ્ચેની આ ઐતિહાસિક સમજૂતી ભારતીય અર્થતંત્ર માટે સાચા અર્થમાં ગેમચેન્જર સાબિત થશે. સસ્તું ક્રૂડ ઓઇલ દેશનો ટ્રાન્સપોર્ટેશન અને ઔદ્યોગિક ઉત્પાદન ખર્ચ ઝડપથી ઘટાડશે. આનાથી સામાન્ય નાગરિકોને રોજબરોજની મોંઘવારીમાંથી મોટી રાહત મળશે. વિદેશી હૂંડિયામણની બચત થવાથી રિઝર્વ બેંકને રૂપિયાનું મૂલ્ય જાળવી રાખવામાં અને અર્થવ્યવસ્થાને વધુ ગતિશીલ બનાવવામાં સીધી મદદ મળશે.