Loading Please Wait !!!
ફિલ્મ 'કાલા હિરન' સામે સલમાન ખાન પહોંચ્યો હાઈકોર્ટ

  • બોલિવૂડ સુપરસ્ટારની અરજી પર દિલ્હી હાઈકોર્ટનું કડક વલણ, નિર્માતા અમિત જાનીને નોટિસ ફટકારી
  • ત્રણ કેસમાં નિર્દોષ છતાં સલમાન જેવા જ દેખાવ અને પોશાક સાથે પોસ્ટર રિલીઝ કરાતા વકીલ નારાજ
  • ટ્રેલર રિલીઝ થતાં જ સલમાન ખાનના વકીલે મૂવીના પ્રમોશન અને રિલીઝ રોકવા માટે કરી અપીલ

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને પોતાની ઓળખ અને છબીનો ખોટો ઉપયોગ કરવા બદલ આગામી નવી ફિલ્મ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે આ ફિલ્મની રિલીઝ અને પ્રમોશન પર તાત્કાલિક રોક લગાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં એક સ્પેશિયલ અરજી દાખલ કરી હતી. આ મહત્વની અરજી પર શુક્રવાર, 12 જૂન, 2026ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને ફિલ્મના મુખ્ય ડિગ્દર્શક તથા નિર્માતાને સત્તાવાર નોટિસ જારી કરીને તેમની પાસે આ અંગે તાત્કાલિક જવાબ માંગ્યો છે.

અદાલતમાં સલમાન ખાનના વકીલ નિઝામ પાશાએ મજબૂત દલીલો રજૂ કરતા કહ્યું હતું કે, 29 મેના રોજ પ્રસ્તાવિત ફિલ્મ 'કાલા હિરન: બેટલ ફોર લેગસી' ના નિર્માતાઓએ એક વિવાદાસ્પદ પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ પોસ્ટરમાં હુબહૂ સલમાન ખાન જેવો જ દેખાતો એક માણસ દર્શાવવામાં આવ્યો છે, અને તેનો પોશાક પણ સલમાન ખાનની સેલિબ્રિટી છબી જેવો જ રાખવામાં આવ્યો છે. વકીલે વધુમાં જણાવ્યું કે, આ વિવાદ સંબંધિત ચાર એફઆઈઆરમાંથી ત્રણમાં સલમાન ખાનને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, તેમ છતાં તેમની નકારાત્મક છબીનો ઉપયોગ કરવો એ તેમના વ્યક્તિત્વના અધિકારોનું સીધું ઉલ્લંઘન છે.

સલમાન ખાનના વકીલે કોર્ટ સમક્ષ ફિલ્મ ‘કાલા હિરન’ ના પ્રમોશન અને સમગ્ર પ્રોજેક્ટ પર સ્ટે આપવાની માંગણી કરી છે, કારણ કે આ ફિલ્મને લીધે મીડિયામાં દરરોજ સલમાન ખાનનું નામ નકારાત્મક રીતે જોડવામાં આવી રહ્યું છે. હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી સ્પષ્ટ કર્યું કે, વિરોધી પક્ષને સાંભળ્યા વિના સીધો કોઈ આદેશ પસાર કરી શકાય નહીં. આથી અદાલતે ફિલ્મના નિર્માતા અમિત જાની અને અન્ય સંબધિત લોકોને નોટિસ ફટકારીને પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું છે. દિલ્હી હાઈકોર્ટે આ હાઈ-પ્રોફાઈલ કેસની આગામી સુનાવણી માટે 19 જૂનની તારીખ નક્કી કરી છે.

ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ સલમાન ખાનની કાનૂની લડાઈ તેજ

વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ 'કાલા હિરન: બેટલ ફોર લેગસી' નું ઓફિશિયલ ટ્રેલર સવારે જ રિલીઝ કરવામાં આવ્યું હતું. જોકે ફિલ્મની સત્તાવાર રિલીઝ ડેટ હજી જાહેર કરવામાં આવી નથી. સલમાન ખાનના વકીલે કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે ટ્રેલર અને પોસ્ટર દ્વારા અભિનેતાની પ્રતિષ્ઠાને મોટું નુકસાન થઈ રહ્યું હોવાથી તેઓ આ આખા પ્રોજેક્ટ પર કાયમી પ્રતિબંધ ઈચ્છે છે.