Loading Please Wait !!!
મોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી: 14 બેઠકો પર 25 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ, કાલે પરિણામ

 

  • વેપારી પેનલની 4 બેઠકો માટે 6 અને ખેડૂત પેનલની 10 બેઠકો માટે 19 ઉમેદવારો મેદાનમાં

  • 33 ઉમેદવારી પત્રોમાંથી 8 ફોર્મ પાછા ખેંચાતાં આખરે 14 બેઠકો પર 25 દાવેદારો વચ્ચે ટક્કર

  • મોરબી, માળિયા (મી.) અને ટંકારા તાલુકાની 140 સહકારી મંડળીઓના સભ્યો મતદાનમાં સામેલ

સિટી ન્યુઝ @ મોરબી

મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની 14 બેઠકો માટે આજે સવારથી ભારે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડ પરિસરમાં સવારે 9 વાગ્યાથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. આ ચૂંટણીમાં વેપારી પેનલની 4 બેઠકો સામે 6 ઉમેદવારો અને ખેડૂત પેનલની 10 બેઠકો માટે 19 ઉમેદવારો મળીને કુલ 25 ઉમેદવારો વચ્ચે સીધો અને રસાકસીભર્યો મુકાબલો જામ્યો છે.

ચૂંટણી પ્રક્રિયાની શરૂઆતમાં બંને પેનલમાંથી કુલ 33 આગેવાનોએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી મુદતે 8 ઉમેદવારોએ પોતાના નામ પરત ખેંચી લેતા 14 બેઠકો પર 25 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. મોરબી માર્કેટ યાર્ડના કાર્યક્ષેત્ર હેઠળ આવતા મોરબી, માળિયા (મીંયાણા) અને ટંકારા તાલુકાની 140 જેટલી વિવિધ સેવા સહકારી મંડળીઓ જોડાયેલી છે. આ ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં 1507 અને વેપારી વિભાગમાં 51 મળીને કુલ નોંધાયેલા મતદારો પોતાનો કિંમતી મતાધિકાર ઉપયોગ કરી રહ્યા છે.

મોરબી માર્કેટિંગ યાર્ડમાં ભૂતકાળમાં વર્ષ 1988, 1995, 2001 અને 2021 માં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ યાર્ડના વહીવટ પર 'સહકાર પેનલ'નો મજબૂત દબદબો રહ્યો છે. જોકે, આ વખતે સામે પક્ષે ઊભેલી 'પરિવર્તન પેનલ' દ્વારા આકરો પડકાર ફેંકવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર જિલ્લામાં વીજપોલના વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલનની આ ચૂંટણીના પરિણામો પર શું અસર પડશે તેના પર સૌની નજર ટકેલી છે. આજે સાંજ સુધી મતદાન સંપન્ન થયા બાદ આવતીકાલે સવારે મતગણતરી હાથ ધરી વિજેતાઓની જાહેરાત કરાશે.

મોરબી માર્કેટ યાર્ડની 14 બેઠકો માટે મતદાન

મોરબી APMC ની 14 બેઠકો માટે સહકાર અને પરિવર્તન પેનલના 25 ઉમેદવારો વચ્ચે મતદાન યોજાયું છે. ખેડૂત અને વેપારી પેનલના 1558 મતદારો સાંજ સુધી મતાધિકારનો ઉપયોગ કરશે. મોરબી, માળિયા અને ટંકારા તાલુકાની 140 મંડળીઓનું પ્રતિનિધિત્વ ધરાવતા આ યાર્ડની ચૂંટણીનું પરિણામ આવતીકાલે સવારે મતગણતરી બાદ જાહેર થશે.