Loading Please Wait !!!
પહાડી અને ગ્રામીણ વિસ્તારો સુધી મળશે લાભ: બેંક નેટવર્ક દ્વારા વાહનોની હરાજી વધુ પારદર્શક બનશેપહાડી અને ગ્રામીણ વિસ્તારો સુધી મળશે લાભ: બેંક નેટવર્ક દ્વારા વાહનોની હરાજી વધુ પારદર્શક બનશે

 

  • કેન્દ્રીય પરિવહન મંત્રાલયના 'વાહન' (VAHAN) પોર્ટલ અને RTO ચલણ ડેટા સાથે સીધું જોડાણ કરાશે

  • બોલી લગાવનારને કારનું મોડેલ, લોકેશન અને જૂના ટ્રાફિક ચલણની તમામ વિગતો એક જ ક્લિકમાં મળશે

  • મિલકતોની હરાજી દ્વારા બેંકોએ અત્યાર સુધીમાં રૂ. 34,000 કરોડની સફળ વસૂલાત કરી

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

દેશની સરકારી અને ખાનગી બેંકો પોતાની અટવાયેલી લોન (NPA) ની વસૂલાત પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે ડિજિટલ માધ્યમનો વ્યાપ વધારી રહી છે. આ કવાયતના ભાગરૂપે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સ પાસેથી જપ્ત કરાયેલી કાર અને અન્ય કોમર્શિયલ વાહનોની ઓનલાઇન ઈ-હરાજી 'બેંક એસેટ ઓક્શન નેટવર્ક' (BAANKNET) પોર્ટલ પર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી પહેલથી હરાજી પ્રક્રિયા સરળ બનશે અને બેંકોને પોતાના બાકી લેણાં ઝડપથી પરત મેળવવામાં મોટી સફળતા મળશે.

આ પોર્ટલને વધુ વિશ્વસનીય અને ઉપયોગી બનાવવા માટે કેન્દ્રીય માર્ગ વાહનવ્યવહાર મંત્રાલયના અધિકૃત 'વાહન' (VAHAN) પોર્ટલ તેમજ આરટીઓ (RTO) ચલણ સેવાઓ સાથે ઈન્ટિગ્રેટ કરવામાં આવશે. આ સુવિધાના પરિણામે હરાજીમાં બોલી લગાવનારા સામાન્ય નાગરિકો અને ખરીદદારોને વાહનની બ્રાન્ડ, મોડેલ, ઉત્પાદન વર્ષ, લોકેશન અને જૂના પેન્ડિંગ ટ્રાફિક દંડ-ચલણની સચોટ માહિતી એક જ સ્ક્રીન પર ઉપલબ્ધ થશે. માહિતી સરળતાથી મળવાને કારણે પહાડી અને ગ્રામીણ વિસ્તારો સહિત દેશભરના સંભવિત ખરીદદારોની ભાગીદારીમાં મોટો વધારો થશે.

નોંધનીય છે કે BAANKNET પ્લેટફોર્મનું સંચાલન જાહેર ક્ષેત્રની બેંકોના સંયુક્ત સાહસ સમાન 'PSB અલાયન્સ' દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પોર્ટલ પરથી અત્યાર સુધીમાં 87,000 થી વધુ સ્થાવર મિલકતોનું સફળતાપૂર્વક ઓક્શન સંપન્ન થયું છે. જુલાઈ 2024 થી અત્યાર સુધીમાં બેંકોએ આ પ્લેટફોર્મ મારફતે રૂ. 72,000 કરોડની મિલકતો સામે આશરે રૂ. 34,000 કરોડની જંગી રકમની રિકવરી મેળવી છે. હવે મિલકતોની સાથે જપ્ત વાહનોનો પણ સમાવેશ થતાં આ રિકવરી આંકડો નવી ઊંચાઈએ પહોંચશે.

નાણાં મંત્રાલયે પણ જાહેર ક્ષેત્રની બેંકોને સહિયારી ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. નાના વેપારીઓ અને MSME સેક્ટરની રૂ. 5 કરોડથી ઓછી લોનની વસૂલાત માટે પણ સમાન સેન્ટ્રલાઇઝ્ડ કલેક્શન પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે. હાલ ભારતીય બેંકિંગ સેક્ટર મજબૂત સ્થિતિમાં છે, જ્યાં નાણાકીય વર્ષ 2025-26 માં સરકારી બેંકોએ રૂ. 1.98 લાખ કરોડનો સર્વોચ્ચ ઐતિહાસિક નફો નોંધાવ્યો છે. સુધરતી એસેટ ક્વોલિટી વચ્ચે આ નવું વાહન ઓક્શન મોડલ બેંકોની બેડ લોન ઘટાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

BAANKNET પર વાહનોની હરાજી થશે

બેંકોએ અટવાયેલી લોન ઝડપથી વસૂલવા જપ્ત કરેલા વાહનોની ઈ-હરાજી BAANKNET પોર્ટલ પર કરવાનો નિર્ણય કર્યો છે. 'વાહન' પોર્ટલ અને RTO સાથે લિંક થવાથી ખરીદદારોને વાહનનું મોડેલ અને ચલણ વિગતો સીધી મળશે. અત્યાર સુધીમાં બેંકોએ આ પોર્ટલ પરથી મિલકતો વેચી રૂ. 34,000 કરોડ વસૂલ કર્યા છે, જેમાં હવે વાહનો ઉમેરાતાં રિકવરી વધુ વેગવંતી બનશે.