બાળકોના માનસિક સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ મેટા પર રૂ. 5390 કરોડનો દંડ!
-
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા સામે મોટી કાર્યવાહી કરાઈ.
-
સુરક્ષાના માપદંડોને નજરઅંદાજ કરી બાળકોની માનસિક તબિયત પર અસર કરાઈ.
-
પ્રથમ તબક્કામાં ૩૭૫ મિલિયન ડોલર અને બીજા તબક્કામાં દંડ કરાયો.
સિટી ન્યુઝ @ ન્યૂ મેક્સિકો
ન્યૂ મેક્સિકો, અમેરિકાની એક કોર્ટે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા પર બાળકોના માનસિક આરોગ્યને નુકસાન પહોંચાડવા બદલ અને સુરક્ષાના માપદંડોને નજરઅંદાજ કરવા બદલ ૫૬૭ મિલિયન ડોલર એટલે કે આશરે રૂ. ૫૩૯૦ કરોડનો જંગી દંડ ફટકાર્યો છે. ન્યૂ મેક્સિકો કોર્ટના ન્યાયમૂર્તિ બ્રાયન ડેવિડે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે કંપનીએ બાળકોની સુરક્ષાને બદલે હંમેશાં નફાને અગ્રતા આપી છે.
કોર્ટે આકરી ટીપ્પણી કરતા નોંધ્યું હતું કે કંપની દ્વારા બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે તેવી સામગ્રી અને જાતીય શોષણ સંબંધિત બાબતોને નજરઅંદાજ કરવામાં આવી હતી. અગાઉ પ્રથમ તબક્કામાં ૩૭૫ મિલિયન ડોલરનો દંડ કરાયો હતો, અને હવે બીજા તબક્કામાં વધુ દંડ થવાથી કુલ મળીને ૯૪૨ મિલિયન ડોલરનો દંડ થયો છે, જે અમેરિકી ઇતિહાસમાં કોઈ ટેક જાયન્ટ કંપની સામે લેવાયેલું પ્રથમ મોટું પગલું છે.
કોર્ટે આદેશ આપ્યો છે કે દંડની રકમનો મોટો હિસ્સા યુવાઓના માનસિક સ્વાસ્થ્યના ઇલાજ, જાગરૂકતા અને સુરક્ષાત્મક સેદીઓ પાછળ ખર્ચવામાં આવે. તેમજ સરકારી વકીલો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના આદત પાડનારા ફીચર્સ પર અંકુશ મુકવા અને પ્રાઈવસી સેટિંગ્સમાં કડક સુધારા કરવાની પણ માંગ કરવામાં આવી છે.
ટેકનોલોજી અને બાળ સુરક્ષા
ડિજિટલ પ્લેટફોર્મ્સે યુવા વપરાશકર્તાઓની સુરક્ષા, માનસિક સ્વાસ્થ્ય અને ગોપનીયતાને પ્રાથમિકતા આપવી એ વૈશ્વિક સ્તરે આજે એક અત્યંત ગંભીર અને ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે.