Loading Please Wait !!!
વોર્ડ નં.2 અને 7માં માતાઓને સ્તનપાન-પોષણ અંગે માર્ગદર્શન, કુપોષિત બાળકોની આરોગ્ય તપાસ સાથે પ્રોટીન કિટ અને થેરાપેટિક ફૂડ અપાયું

મનપાના ICDS વિભાગે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા ICDS વિભાગ દ્વારા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી. કે. નંદાણી, ICDS ચેરમેન કેતન કુંમર, વાઈસ ચેરમેન અલ્પા દવે અને પ્રોગ્રામ ઓફિસર શારદા દેસાઈના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં. ૨ અને ૭માં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

૧થી ૭ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન યોજાયેલી ઉજવણીમાં રામનાથપરા આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર તોરલ શાહએ વિશ્વ સ્તનપાન સપ્તાહ અંગે માર્ગદર્શન આપ્યું હતું. બાળ વિકાસ અધિકારી પૂજા જોશીયે અતિ કુપોષિત બાળકો માટે પોષણયુક્ત આહાર અંગે માતાઓ અને વાલીઓને સમજ આપી હતી. કાર્યક્રમ દરમિયાન નવજાત બાળકને જન્મના પ્રથગ કલાકમાં

સ્તનપાન કરાવવા, પ્રથમ ૬ મહિના માત્ર માતાનું દૂધ જ આપવા તેમજ ૭ મહિના બાદ પૂરક આહાર સાથે ૨ વર્ષ કે તેથી વધુ સમય સુધી સ્તનપાન ચાલુ રાખવા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. માતાનું દૂધ બાળકને સંપૂર્ણ પોષણ, રોગપ્રતિકારક શક્તિ અને સુરક્ષા આપતું હોવા ઉપરાંત માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવાનું સમજાવવામાં આવ્યું હતું.

આંગણવાડીઓમાં બાળકો માટે વિશેષ કેમ્પ યોજીને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. અતિ કુપોષિત બાળકોને પ્રોટીનયુક્ત કિટ આપવામાં આવી હતી. બાળકોના વાલીઓને ઘરે થેરાપેટિક પાઉડર બનાવવાની રેસીપી શીખવવામાં આવી તેમજ બાળકોના ખોરાકમાં તેનો ઉપયોગ કરવા માર્ગદર્શન અપાયું હતું.

આ સાથે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના રેડકોસ સેજામાં અતિ કુપોષિત બાળકો માટે કેમ્પ યોજાયો હતો. જેમાં મુખ્ય સેવિકા ઝરણાબહેન, તૃપ્તિ દવે, ભારતી દુધરેજીયા તેમજ RBSK ટીમ ઉપસ્થિત રહી હતી. RBSK ટીમે બાળકોનું હેલ્થ ચેકઅપ કરી વજન અને ઊંચાઈની તપાસ સાથે જરૂરી દવાઓ આપી હતી. અતિ કુપોષિત બાળકોને મુખ્ય સેવિકા ઝરણાબેન મિતેશ વ્યાસ તરફથી પ્રોટીન પાઉડર અને થેરાપેટિક ફૂડ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત માતૃશક્તિ અને બાળશક્તિના ફાયદાઓ અંગે પણ સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં માતાનું દૂધ-જીવનભરનું આરોગ્ય, પ્રથમ કલાકનું સ્તનપાન બાળકના જીવનનું શ્રેષ્ઠ વરદાન અને પ્રથમ ૬ મહિના માત્ર માતાનું દૂધ-સ્વસ્થ જીવનનો મજબૂત પાયો જેવા પ્રેરણાદાયી સૂત્રો સાથે સ્તનપાન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.