ગુજરાતમાં ‘બિયર’ ઉપર ‘આંશિક’ પ્રતિબંધ !
- મહારાષ્ટ્રનો ટેક્સ ગુજરાત લેતી હોવાની 2 મહિનાથી લિકર શૉપમાં બિચર ખાલી
- મહારાષ્ટ્રમાંથી દર મહિને બિયરની 50 હજાર પેટીઓ ઉતરતી હતી, એક્સાઈઝ ડ્યૂટીના વિવાદને કારણે મહારાષ્ટ્ર સરકારે ગુજરાતમાં બિયરની સપ્લાય પર આંશિક પ્રતિબંધ મૂકી દીધો
- એક્સાઈઝ ડ્યૂટીનો લાભ ગુજરાતને મળતો હોવાથી મહારાષ્ટ્રને આવકમાં નુકસાન
સિટી ન્યૂઝ@ગાંધીનગર
રાજ્યમાં બિયરનું ઉત્પાદન થતું ન હોવાથી મહારાષ્ટ્રમાંથી તેનો મોટો જથ્થો મંગાવતો હતો, પરંતુ બંને રાજ્યો વચ્ચે એક્સાઈઝ ડ્યૂટીના વિવાદને કારણે મહારાષ્ટ્ર સરકારે ગુજરાત તરફની બિયરની સપ્લાય પર આંશિક પ્રતિબંધ મૂકી દીધો છે, જેથી બે મહિનાથી પરમીટવાળી લિકર શૉપમાં બિયરનો સ્ટોક ખાલીજીમ છે.આ ટેક્સ નીતિના કારણે મહારાષ્ટ્ર સરકારને આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. આખરે આ નુકસાનથી બચવા માટે મહારાષ્ટ્ર્વે બે મહિનાથી બિયરનો પુરવઠો રોકી દીધો છે, જેના કારણે ગુજરાતની લિકર શૉપ્સમાં બિયરનો સ્ટોક નથી.સામાન્ય રીતે દર મહિને મહારાષ્ટ્રથી બિયર ભરેલી ૫૦ ટ્રક ગુજરાત આવે છે. એક ટ્રકમાં ૧ હજાર પેટી આવતી હોય છે એટલે કે દર મહિને ૫૦ હજાર કરતાં પણ વધારે પેટીઓનો મસમોટો જથ્થો ગુજરાતમાં હલવાતો હોય છે, છેલ્લા બે મહિનાથી બંધ રહેતાં બજારમાં તેની સીધી અસર જોવા મળી રહી છે. એક્સાઈઝ ડ્યૂટીનો લાભ ગુજરાતને મળતો હોવાથી મહારાષ્ટ્રને આવકમાં નુકસાન થતું હોવાનું વેપારીઓનું માનવું છે.
મહારાષ્ટ્રમાં ઉત્પાદિત કાર્સબર્ગ અને ટ્યુબર્ગ સહિતના 6 પ્રોડક્ટનું ગુજરાતની લિકર શૉપમાં વેચાણ થાય છે
બંને રાજ્યોની એક્સાઈઝ ડ્યૂટીનું માળખું
દેશમાં બે રાજ્ય વચ્ચેના વેપારિનયમ મુજબ દારૂ-બિયર જે રાજ્યમાં પીવાય છે. મુખ્ય એક્સાઈઝ ડ્યુટી અને સેલ્સ ટેક્સની આવક તે ગ્રાહક રાજ્યના ખાતામાં જાય છે.
-
મહારાષ્ટ્ર (ઉત્પાદક રાજ્ય): મહારાષ્ટ્ર દેશનું મોટું દારૂ અને બિયર ઉત્પાદક રાજ્ય છે. ત્યાં રાજ્ય સરકાર અલગ-અલગ તબક્કે ટેક્સ વસૂલે છે. મહારાષ્ટ્રમાં પોતાના રાજ્યમાં વેચાતી બિયર પર તે ઉત્પાદન ખર્ચના ૧૭૫થી ૨૦૦ ટકા સુધી અથવા પ્રતિ બલ્ક લિટર ચોક્કસ રકમ (જે વધુ હોય તે) તેની એક્સાઈઝ ડ્યૂટી વસૂલે છે.
-
ગુજરાત (વપરાશકર્તા રાજ્ય): અહીં ઉત્પાદન થતું નથી, પરંતુ લાઈસન્સ ધરાવતી ઓથોરાઈઝ્ડ લિકર શૉપ્સ માટે બહારથી ઈમ્પોર્ટ કરવામાં આવે તો તેના પર એક્સાઈઝ ડ્યુટી પ્રતિ યુનિટ રૂ. ૭૧ ચૂકવવી પડે છે.
મહારાષ્ટ્રથી આવતી 6 પ્રોડક્ટનો સ્ટોક ખાલી
ગુજરાત, મહારાષ્ટ્રમાં ઉત્પાદિત કાર્સબર્ગ અને ટ્યુબર્ગ સહિતની લગભગ ૭ પ્રોડક્ટનું વેચાણ થાય છે. સપ્લાય બંધ થતાં આ બ્રાન્ડ્સનો સ્ટોક ઝડપથી ખાલી થઈ ગયો છે અને શૉકોને અન્ય વિકલ્પ પસંદ કરવાની ફરજ પડી છે.