Loading Please Wait !!!
ગુજરાતમાં શનિ અને રવિવારે ભારે વરસાદની આગાહી: રાજકોટ ઉપર સિસ્ટમ નથી

મોનસૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય ઉત્તર-દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

સિટી ન્યૂઝ@ગાંધીનગર

રાજ્યમાં આગામી દિવસોમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી વરસાદી પ્રવૃત્તિમાં વધારો થશે. ખાસ કરીને ૮ અને ૯ ઓગસ્ટે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરાયું છે. સાથે જ માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ૬ ઓગસ્ટે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે ૭ ઓગસ્ટે અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ,

ડાંગ, દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ૮ ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને વિશેષ યલો એલર્ટ જાહેર કરાયું છે. ૯ ઓગસ્ટે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ યથાવત રહેશે. હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના હોવાથી લોકોને સાવચેત રહેવા અને માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપી છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે ઝાપટાં વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય ૪૧૧ મિમી વરસાદ થવો જોઈએ, જેની સામે ૪૮૦.૯ મિમી વરસાદ થયો છે, જે ૧૬ ટકા વધારે છે.