રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે અમરેલી સજ્જ
» મુખ્યમંત્રી અને રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિ...શહેરની આગવી ઓળખ ઉજાગર કરવા અમરેલીને આકર્ષક રીતે શણગારાશે; મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહેશે
સિટી ન્યૂઝ@ધર્મેશ મહેતા-અમરેલી
રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વર્ષે અમરેલી જિલ્લામાં કરવામાં આવશે. આગામી ૧૫ ઓગસ્ટે અમરેલી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરના મેદાનમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. ઉજવણીની તૈયારીઓને લઈને જિલ્લા સેવાસદન ખાતે ઉર્જા રાજયમંત્રી કૌશિક વેકરીયા અને સાંસદ ભরত સુતરિયાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ભવ્ય, સાંસ્કૃતિક અને યાદગાર બનાવવા વિવિધ તૈયારીઓની સમીક્ષા કરી સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સુરક્ષા, સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા, મહેમાનોના આવકાર સહિતની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
અમરેલીની આગવી ઓળખ અને સાંસ્કૃતિક વૈભવ રાજ્યફલક પર ઉજાગર થાય તે રીતે શહેરને શણગારવામાં આવશે. મુખ્ય માર્ગો, ચોક અને મહત્વના સ્થળોએ થીમ આધારિત ડેકોરેશન તથા રોશની કરી સમગ્ર શહેરમાં રાષ્ટ્રપ્રેમનું વાતાવરણ સર્જવા સૂચના અપાઈ છે.
જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારાજ્જાએ જણાવ્યું હતું કે, ૧૪ ઓગસ્ટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નૂતન શાળાના મેદાન ખાતે એટ હોમ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાનમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ પહેલાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે.
સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ રાત્રે લોકસંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાને સમર્પિત રંગો કસુંબી ડાયરો યોજાશે, જેમાં જાણીતા કલાકારો દેશભક્તિના ગીતો, લોકસંગીત અને ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરશે. સમીક્ષા બેઠકમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.