લોન વસૂલાત પર આરબીઆઈનો આકરો નિર્ણય, હવે દંડ અને ધમકીઓ થશે બંધ!
-
ગ્રાહકોના આત્મસન્માન અને ગોપનીયતા સાથે સમજૂતી નહીં કરી શકાય.
-
ઇમરજન્સી કે કટોકટીના સમયમાં ગ્રાહકને કોલ કે વિઝિટ કરવા પર પ્રતિબંધ.
-
પ્રથમ વખત એજન્ટ મોકલતા પહેલાં ૨૪ કલાક અગાઉ લેખિત જાણ કરવી પડશે.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લોન વસૂલાત અને રિકવરી એજન્ટોની મનમાની પર લગામ લગાવવા માટે અત્યાર સુધીની સૌથી કડક માર્ગદર્શિકા બહાર પાડી છે. આ નવા નિયમો ૧ જાન્યુઆરી, ૨૦૨૭થી દેશની તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે ફરજિયાતપણે લાગુ થઈ જશે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે બેંકો કે તેમની એજન્સીઓ લોન વસૂલાતના નામે ગ્રાહકોના આત્મસન્માન કે ગોપનીયતા સાથે સમજૂતી કરી શકશે નહીં અને ગેરવર્તણૂક બદલ બેંકે પીડિત ગ્રાહકને આર્થિક વળતર પણ ચૂકવવું પડશે.
નવા ફ્રેમવર્ક હેઠળ આરબીઆઈએ બેંકો દ્વારા વાપરવામાં આવતી ટેકનોલોજી આધારિત કાર્યવાહી પર અંકુશ મૂક્યો છે. જો કોઈ ગ્રાહક હપ્તા ચૂકવવામાં નિષ્ફળ જાય, તો પણ બેંક વસૂલાત માટે ગ્રાહકનો મોબાઈલ કે લેપટોપ બ્લોક કરી શકશે નહીં, સિવાય કે તે ચોક્કસ ગેજેટ માટે જ લોન લીધી હોય. તેમાં પણ ઇનકમિંગ કોલ્સ, એસએમએસ તથા ઇમરજન્સી એસઓએસ જેવી અતિ આવશ્યક સુવિધાઓ બંધ કરી શકાશે નહીં.
હવે રિકવરી એજન્ટો માત્ર સવારે ૮:૦૦ થી સાંજે ૭:૦૦ વાગ્યા દરમિયાન જ ગ્રાહકનો સંપર્ક કરી શકશે. પરિવારમાં અવસાન, હોસ્પિટલની ઇમરજન્સી કે લગ્ન જેવા પ્રસંગોએ કોલ કરવા પર પ્રતિબંધ રહેશે. ઘરે એજન્ટ મોકલતા પહેલાં બેંકે ૨૪ કલાક અગાઉ જાણ કરવી પડશે અને તમામ રિકવરી કોલ્સનું રેકોર્ડિંગ ૬ મહિના સુધી સાચવવું પડશે.
અસભ્ય ભાષાનો ઉપયોગ, સોશિયલ મીડિયા પર બદનામ કરવો કે સંબંધીઓને ફોન કરીને ત્રાસ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રાહકોની ફરિયાદોના ત્વરિત ઉકેલ માટે બેંકોએ અલગ ગ્રીવન્સ રેડ્રેસલ સિસ્ટમ ઊભી કરવી પડશે, જેથી ગ્રાહકો સીધી ફરિયાદ નોંધાવી શકે.
- બેંકિંગ અને ગ્રાહક સુરક્ષા
નાણાકીય સંસ્થાઓ અને બેંકો દ્વારા ગ્રાહકોના અધિકારોનું સન્માન કરવું તથા પારદર્શક પદ્ધતિઓ અપનાવવી એ અર્થતંત્રમાં વિશ્વાસ ટકાવી રાખવા માટે અનિવાર્ય છે.