ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનને સાથ આપવો તુર્કેઈની કંપનીને પડ્યો મોંઘો
- ભારતની કડક કાર્યવાહી બાદ સેલેબી એવિએશનને 4,300 કરોડ રૂપિયાનું અધધ નુકસાન
- 20 વર્ષની મહેનત એક જ દિવસમાં ધોવાઈ, સરકારે સિક્યોરિટી ક્લીયરન્સ રદ કરી બતાવ્યું બહારનો રસ્તો
- દિલ્હી હાઈકોર્ટે પણ સુરક્ષા મામલે કંપનીની અરજી ફગાવી, રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નહીં
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન આપવું તુર્કેઈની જાણીતી ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની 'સેલેબી એવિએશન' માટે ખૂબ મોંઘું સાબિત થયું છે. ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર મે 2025 માં આ કંપનીની ભારતીય શાખાનું સિક્યોરિટી ક્લીયરન્સ રદ કરીને તેને ભારતમાંથી હાંકી કાઢી હતી. કંપનીએ બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે ભારત સરકારના આ કડક નિર્ણયને કારણે તેને એક જ દિવસમાં 500 મિલિયન ડોલર એટલે કે અંદાજે 4,300 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે અને બે દાયકા જૂનો બિઝનેસ એક ઝાટકે ખતમ થઈ ગયો છે.
પહલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે જ્યારે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાઓ પર 'ઓપરેશન સિંદૂર' હેઠળ હુમલા કર્યા હતા, ત્યારે તુર્કેઈએ પાકિસ્તાનને 350 થી વધુ ડ્રોન, સૈન્ય સહયોગ, વાયુસેનાનું C-130 વિમાન અને યુદ્ધ જહાજો મોકલીને ખુલ્લેઆમ સાથ આપ્યો હતો. એટલું જ નહીં, આ સંઘર્ષમાં તુર્કેઈના બે સૈન્ય ઓપરેટિવ્સ પણ માર્યા ગયા હતા, જેણે ભારત અને તુર્કેઈ વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ ઉભો કર્યો હતો. આ ઘટના બાદ ભારત સરકારે ત્વરિત પગલાં લઈને કંપનીના તમામ ઓપરેશન રોકી દીધા હતા અને 10 હજાર કર્મચારીઓને અન્ય ઓપરેટર્સ પાસે ટ્રાન્સફર કર્યા હતા.
સેલેબી એવિએશન ઇન્ડિયા, જે દેશની સૌથી મોટી ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપનીઓમાંની એક હતી અને દિલ્હી, મુંબઈ, બેંગલુરુ સહિત 9 મોટા એરપોર્ટ પર કાર્યરત હતી, તેણે આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કંપનીએ તુર્કેઈ સરકાર સાથેના સીધા સંબંધો હોવાના આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ દિલ્હી હાઈકોર્ટે રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોપરી ગણાવીને કંપનીની તમામ અરજીઓ ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ મામલામાં 'અફસોસ કરવા કરતાં સુરક્ષિત રહેવું વધુ સારું છે'.
સુરક્ષા સામે કોઈ બાંધછોડ નહીં ભારત સરકારે એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દેશની સુરક્ષા અને અખંડિતતા સાથે સમાધાન કરનાર કોઈ પણ કંપની કે સંસ્થાને ભારતમાં સ્થાન મળી શકે નહીં. સેલેબી કંપનીનું નેટવર્ક જે એરપોર્ટના સૌથી સંવેદનશીલ હાઈ-સિક્યોરિટી ઝોનમાં લોજિસ્ટિક્સ, કાર્ગો સિક્યોરિટી અને પેસેન્જર ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ કરતું હતું, તેને તાત્કાલિક અસરથી બંધ કરી દેવું એ ભારતની સુરક્ષા નીતિની મજબૂતી દર્શાવે છે.