Loading Please Wait !!!
વિદ્યાભ્યાસ પૂર્ણ કરી સમાજમાં પ્રવેશતા શિષ્યને ગુરુનો જીવનમંત્ર

  • તૈતિરીય ઉપનિષદ અને ચરકસંહિતાના પ્રેરક દીક્ષાંત ઉપદેશોનું આધુનિક જીવનમાં મહત્વ
  • જીવનની સફળતા માટે 24 સૂત્રો, જે આદર્શ માનવી બનવા માટે અનિવાર્ય છે
  • દીક્ષાંત સમારોહમાં ગુરુ દ્વારા અપાતો આ ઉપદેશ રાષ્ટ્ર અને પરિવાર માટે ઉપયોગી

સિટી ન્યુઝ @ રાજકોટ

ગુરુકુળ કે કોલેજમાંથી શિક્ષણ પૂર્ણ કરીને જ્યારે શિષ્ય સમાજમાં પ્રવેશ કરે છે, ત્યારે તે માત્ર એક વિદ્યાર્થી નથી રહેતો, પરંતુ કુટુંબ અને રાષ્ટ્રની જવાબદારી ઉપાડનાર એક નાગરિક બને છે. તૈતિરીય ઉપનિષદ અને ચરકસંહિતા જેવા પ્રાચીન ગ્રંથોમાં ગુરુ દ્વારા શિષ્યને અપાતા 'દીક્ષાંત પ્રવચન'માં જીવનના મૂળભૂત સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા છે. જેમાં 'સત્યં વદ' (સાચું બોલવું) અને 'ધર્મં ચર' (ધર્મનું આચરણ કરવું) થી લઈને માતા-પિતા અને અતિથિને દેવતુલ્ય માનવા સુધીના સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું છે.

શિક્ષણનો અર્થ માત્ર ડિગ્રી મેળવવી નથી, પરંતુ 'To draw out' એટલે કે મનુષ્યમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવી તે છે. પ્રાચીન સમયમાં ગુરુઓ તત્વજ્ઞાની હતા અને શિક્ષણ એક નિઃસ્વાર્થ સેવા હતી. આચાર્ય શિષ્યોને ઉપદેશ આપે છે કે ભણેલા શાસ્ત્રોનો અભ્યાસ ક્યારેય છોડવો જોઈએ નહીં અને હંમેશા સજ્જન પુરુષોના માર્ગનું અનુકરણ કરવું જોઈએ. તેઓ શિષ્યોને આત્મશ્લાઘા (પોતાની પ્રશંસા) થી દૂર રહેવાની અને વાણી, જ્ઞાન તથા બુદ્ધિને કેવળ સારા માર્ગે વાળવાની સલાહ આપે છે.

આ ઉપદેશોમાં સૌથી મહત્વનો પાઠ એ છે કે સમગ્ર જગતને જ ગુરુરૂપ માનવું અને જેની પાસેથી પણ સારું શીખવા મળે તે શીખી લેવું. કોઈનું હિતકારી વચન કે આચરણ હોય તો તેને અપનાવવું અને જીવનમાં ક્યારેય આળસ કરવી નહીં. ગુરુનો આ ઉપદેશ શિષ્ય માટે જીવનની દિશા નક્કી કરે છે, જે તેને એક જવાબદાર વ્યક્તિ અને શ્રેષ્ઠ નાગરિક તરીકે સમાજમાં પ્રતિષ્ઠિત કરે છે. શિષ્ય અંતમાં 'જેમ આપ કહો છો તેમ જ હું વર્તીશ' તેવી પ્રતિજ્ઞા સાથે સંસારના આ સફરની શરૂઆત કરે છે.

ગુરુના ઉપદેશનો સારાંશ જીવનની સાચી સફળતા વિદ્યાના અભ્યાસને સતત જીવંત રાખવામાં છે. ગુરુના આ ઉપદેશોમાં સત્ય, ધર્મ, પુરુષાર્થ અને શ્રદ્ધા પૂર્વકના દાનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. આચાર્ય શિષ્યને શીખવે છે કે તારું વચન હંમેશા નિર્દોષ અને હિતકારક હોવું જોઈએ. માત્ર શાસ્ત્રોનું વાંચન નહીં, પરંતુ સજ્જનોના આચરણને અનુસરવું એ જ સફળ જીવનની સાચી ચાવી છે. આ માર્ગે ચાલીને જ વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રનું શ્રેષ્ઠ નિર્માણ કરી શકે છે.