Loading Please Wait !!!
રાજકોટમાં VIP નિયમ? ભાજપ નેતાઓ માટે કાયદો અલગ?

  • પૂર્વ મેયર સામે નરમ તંત્ર, નોટિસ છતાં ગેરકાયદેસર બાંધકામ ચાલુ
  • પૂર્વ મેયરને નોટિસ કે કાયદાનો ડર નહીં બાંધકામનો બીજા માળનું પૂરબહારમાં કામ ચાલુ
  • દુકાનોમાં શટરો પણ લાગી ગયા 
  • વોર્ડ નં. 6માં રણછોડ શેરી નં. 1માં પણ ગેરકાયદે બાંધકામ !
  • અરજદારની જગ્યામાં લોચા-લાપસી છતાંય મકાન બનાવવા ક્યાં અધિકારીએ છૂટ આપી !
  • ફરિયાદીએ અરજી કરી પણ અધિકારી ચૂપ

 

  • સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સમાનતા પર ફરી એકવાર સવાલ ઊભો થયો છે. શહેરના પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાનું ગેરકાયદેસર બાંધકામ કોર્પોરેશનની નોટિસ છતાં યથાવત ચાલતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં સ્થળ પર બાંધકામ અટક્યું નથી, પરંતુ વધુ ઝડપથી આગળ વધતું જોવા મળી રહ્યું છે. શરૂઆતમાં જ્યાં માત્ર એક માળ હતો, ત્યાં હવે બીજો માળ પણ ખડકી દેવાયો છે અને દુકાનોના શટર પણ લગાવી દેવામાં આવ્યા છે. વિશેષ ચોંકાવનારી બાબત એ છે કે બાંધકામને છુપાવવા માટે આગળ મોટા પડદા લગાવવામાં આવ્યા છે અને પડદાની આડમાં કામ ચાલુ રાખવામાં આવી રહ્યું છે. આ રીતે ખુલ્લેઆમ નિયમોને પડકારવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. કોર્પોરેશનની કાર્યવાહી પર પણ સવાલ ઊભા થયા છે.

એક તરફ ગરીબોના મકાનો પર તાત્કાલિક બુલડોઝર ચલાવવામાં આવે છે, જ્યારે બીજી તરફ પૂર્વ મેયરના બાંધકામ સામે કડક પગલાં લેવામાં વિલંબ કેમ? શું કાયદો માત્ર સામાન્ય લોકો માટે જ છે? આ મામલે કોન્ટ્રાક્ટરે પણ સ્પષ્ટ કહ્યું છે કે, “અમને કામ કરવા માટે કહેવામાં આવ્યું છે એટલે અમે કામ કરી રહ્યા છીએ. નોટિસ વિશે અમને જાણ છે, પરંતુ કામ બંધ કરવા કોઈ સૂચના નથી.” છેલ્લા ત્રણ મહિનાથી કામ ચાલુ હોવાનો પણ ખુલાસો કર્યો છે. આ સમગ્ર ઘટનાએ તંત્રની કાર્યપદ્ધતિ અને પારદર્શિતાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. શું નોટિસ માત્ર ઔપચારિકતા બની ગઈ છે? શું સત્તાવાળાઓ માટે અલગ કાયદો અને સામાન્ય જનતા માટે અલગ નિયમો? શું કોર્પોરેશન હવે આ મામલે કડક પગલાં લેશે કે મૌન જ રહેશે? રાજકોટમાં કાયદાની સમાનતા જાળવવા હવે તંત્રની સાચી કસોટી શરૂ થઈ છે.