Loading Please Wait !!!
ફ્રાન્સની હિંસા પર ડોનાલ્ડ ટ્રમ્પનું આક્રમક નિવેદન!

 

  • વસાહતીઓને જવાબદાર ઠેરવી ટ્રમ્પે ફ્રાન્સને ચેતવ્યું!

  • પેરિસમાં હિંસા અને લૂંટફાટ વચ્ચે 1800થી વધુ ધરપકડ!

  • જે.ડી. વાન્સે ગેરકાયદે વસાહતીઓને ગણાવ્યા દેશ માટે હુમલો!

સિટી ન્યુઝ @ પેરિસ 

ફ્રાન્સમાં ચાલી રહેલી વ્યાપક હિંસા અને અશાંતિ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્થિતિ માટે ત્યાંના વસાહતીઓને સીધા જવાબદાર ઠેરવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઇસ્લામ ફ્રાંસ પર કબજો જમાવવા માંગે છે અને કેટલાક દેશોના વસાહતીઓ પશ્ચિમી દેશોમાં અશાંતિ ફેલાવી રહ્યા છે.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું કે ફ્રાન્સ સળગી રહ્યું છે અને તદ્દન જુદી દુનિયાથી આવેલા લોકો, જેમના હૃદયમાં નફરત ભરેલી છે, તેઓ એક સમયે મહાન ગણાતા દેશને તબાહ કરી રહ્યા છે. તેમણે સલાહ આપી કે ફ્રાન્સે પોતાની સરહદો બંધ કરવી જ જોઈએ અને બહુ મોડું થાય તે પહેલા પરિસ્થિતિ પર કાબૂ મેળવવો જોઈએ.

ફ્રાન્સના ગૃહ પ્રધાન લૌરેન્ટ નુનેઝના જણાવ્યા અનુસાર, દેશભરમાં ચાલી રહેલી હિંસાને પગલે લગભગ 1800 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પેરિસમાં જ રેકોર્ડ 855 લોકોની ધરપકડ કરાઈ છે. સડકો પર બેરિકેડ્સ ખડકાયા છે અને બુરખા પહેરેલા યુવાનો દ્વારા દુકાનો લૂંટવામાં આવી છે. આ ઘર્ષણમાં પોલીસ, ફાયર બ્રિગેડ અને પેરામેડિકલ સ્ટાફ સહિત 500થી વધુ લોકો ઘાયલ થયા છે.

અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સે પણ આ મામલે આક્રમક વલણ અપનાવતા કહ્યું હતું કે પશ્ચિમી દેશોના ઉદારમતવાદીઓએ વિવિધતા અને કરુણાના નામે ત્રીજી દુનિયાના લોકોને વસાવી દીધા છે, જેમણે સમાજમાં હળીમળીને રહેવાની બાબતને નજરઅંદાજ કરી છે. તેમણે ચેતવણી આપી કે જો ફ્રાન્સ આ અરાજકતા નહીં રોકે, તો ત્યાંની ઐતિહાસિક ઇમારતો પણ ભસ્મ થઈ જશે.

વાન્સે ગેરકાયદે વસાહતીઓના આ પ્રવાહને એક પ્રકારે દેશ પરનો હુમલો ગણાવ્યો છે. ફ્રાન્સમાં ચાલી રહેલી આ અશાંતિએ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે વસાહતીઓની નીતિઓ અને સુરક્ષાના પ્રશ્નો પર મોટી ચર્ચા જગાવી છે.

ફ્રાન્સની અશાંતિ અને વૈશ્વિક રાજકારણ: વસાહતીઓનો મુદ્દો ફરી એરણે

ફ્રાન્સમાં ફાટી નીકળેલી હિંસા અને તોડફોડે માત્ર યુરોપ જ નહીં, પરંતુ અમેરિકાના રાજકારણને પણ હચમચાવી દીધું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જે.ડી. વાન્સ દ્વારા વસાહતીઓ પર કરવામાં આવેલા આકરા પ્રહારો દર્શાવે છે કે પશ્ચિમી દેશોમાં ઇમિગ્રેશન અને સુરક્ષાનો મુદ્દો આગામી સમયમાં વધુ સંવેદનશીલ બનશે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે સામાજિક સમરસતા જાળવવી એ હાલના સમયનો સૌથી મોટો પડકાર બની ગયો છે.