Loading Please Wait !!!
નોર્વેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ!

 

  • રોબ્લોક્સ, સ્નેપચેટ અને ટિકટોક જેવી એપ્સ પર લટકતી તલવાર!

  • બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે નોર્વે સરકારનું કડક પગલું!

  • ઓસ્ટ્રેલિયા બાદ નોર્વેએ પણ સોશિયલ મીડિયા પર મૂક્યો પ્રતિબંધ!

સિટી ન્યુઝ @ ઓસ્લો 

બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નોર્વે સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. નોર્વેમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા તેમજ કેટલાક લોકપ્રિય ગેમિંગ પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રસ્તાવિત નિયમો અંતર્ગત બાળકોની ઓનલાઈન ગતિવિધિઓ પર કાબૂ મેળવવા કાયદાકીય પગલાં લેવાઈ રહ્યા છે.

અહેવાલો અનુસાર, નોર્વે સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, પ્રસ્તાવિત બિલમાં બાળકો માટે જોખમી સાબિત થતા સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મને હાનિકારક શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ નવા નિયમોની સીધી અસર રોબ્લોક્સ (Roblox), સ્નેપચેટ (Snapchat) અને ટિકટોક (TikTok) જેવી લોકપ્રિય એપ્સ અને ગેમિંગ સેવાઓ પર જોવા મળશે.

નોર્વેએ અગાઉ જ સ્પષ્ટ કર્યું હતું કે સંસદમાં વિશેષ બિલ રજૂ કરીને 16 વર્ષની ઉંમર પૂરી ન થાય ત્યાં સુધી બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવામાં આવશે. આ નિયમ હેઠળ ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા કંપનીઓ પર જ યુઝર્સની સાચી ઉંમર ચકાસવાની મુખ્ય જવાબદારી રહેશે, અને નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ સામે ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે.

બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર નોર્વે પહેલો દેશ નથી. અગાઉ ઓસ્ટ્રેલિયા દ્વારા 16 વર્ષથી ઓછી ઉંમરના સગીરો માટે સત્તાવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે ફેસબુક, યુટ્યુબ, એક્સ (X) અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ્સે ત્યાં કડક વય ચકાસણી પદ્ધતિ અપનાવી છે. ઓસ્ટ્રેલિયા બાદ ઓસ્ટ્રિયા અને બ્રાઝિલ જેવા દેશો પણ આ દિશામાં આગળ વધી ચૂક્યા છે.

નોર્વેના આ નવા પગલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે બાળકોની ઓનલાઈન સુરક્ષા અને સ્ક્રીન ટાઈમ નિયંત્રણનો મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે. આજના ડિજિટલ યુગમાં બાળકો પર સોશિયલ મીડિયાની પડતી માઠી અસરોને અટકાવવા માટે વિશ્વભરની સરકારો હવે કડક વલણ અપનાવી રહી છે.

ડિજિટલ યુગમાં બાળ સુરક્ષા: સોશિયલ મીડિયા પર કડક નિયંત્રણો સમયની માંગ

આજના આધુનિક યુગમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી રહ્યા છે. વ્યસનરૂપ બનતી આ એપ્સ બાળકોને વાસ્તવિક દુનિયાથી દૂર કરી રહી છે, ત્યારે નોર્વે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો દ્વારા લેવાયેલા કડક પગલાં ખરેખર પ્રશંસનીય છે. જો સમયસર સોશિયલ મીડિયા કંપનીઓની મનમાની પર રોક લગાવવામાં ન આવે, તો આવનારી પેઢીનું માનસિક સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ શકે છે.