ઈટાલીમાં મોંઘવારી અને આર્થિક મુશ્કેલીઓ સામે જનઆક્રોશ! મિલાનમાં હિંસક પ્રદર્શનો બાદ 32 લોકોની ધરપકડ!
-
વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ બોલાવી હાઈ-લેવલ બેઠક!
-
ભારતીય દૂતાવાસે ઈટાલીમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જારી કરી!
-
યુરોપના દેશોમાં વધતી મોંઘવારી સામે મોટા પાયે વિરોધ!
સિટી ન્યુઝ @ રોમ
ફ્રાન્સ બાદ હવે ઈટાલીમાં પણ વધતી જતી મોંઘવારી, જીવનજરૂરી ચીજવસ્તુઓના આસમાને પહોંચેલા ભાવ અને કથળતી જાહેર સેવાઓ સામે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. મિલાન સહિત દેશના અનેક મોટા શહેરોમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણો થઈ હતી, જેને પગલે વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે સોમવારે એક હાઈ-લેવલ બેઠક બોલાવી હતી.
મિલાન શહેરમાં રવિવારે ફાટી નીકળેલા તોફાનો દરમિયાન પોલીસે કડક કાર્યવાહી કરીને 271 યુવાનોને કસ્ટડીમાં લીધા હતા અને 32 લોકોની સત્તાવાર ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં 23 સગીરો અને 13 વિદેશી નાગરિકો સામેલ છે. તોફાની તત્વોએ ડસ્ટબિનોમાં આગ લગાવી અને દુકાનોમાં તોડફોડ કરી હતી, જેના જવાબમાં પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.
ઈટાલીમાં વણસતી જતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રોમ સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે સુરક્ષા એડવાઈઝરી જારી કરી છે. ભારતીયોને ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહેવા અને કટોકટીના સંજોગોમાં રોમ અને મિલાન સ્થિત ભારતીય કોન્સ્યુલેટના હેલ્પલાઈન નંબરો પર સંપર્ક કરવા સલાહ આપવામાં આવી છે.
ઉત્તરી ઈટાલીના મિલાન, બોલોન્યા, બ્રેસિયા, બર્ગામો અને ટ્યુરિન જેવા શહેરોમાં સતત બીજા દિવસે પણ પ્રદર્શનો ચાલુ રહ્યા હતા. પ્રદર્શનકારીઓમાં રહેઠાણ, દૈનિક જીવનનિર્વાહના ઊંચા ખર્ચ અને નબળી સાર્વજનિક સુવિધાઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે સુરક્ષા દળો સતર્ક બન્યા છે.
માત્ર ઈટાલી જ નહીં, પરંતુ પાડોશી દેશ ફ્રાન્સમાં પણ મોંઘવારી અને જાહેર સેવાઓના કથળતા સ્તર સામે મોટા પાયે વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. સમગ્ર યુરોપમાં સામાન્ય જનતા પર વધી રહેલા આર્થિક બોજને કારણે સરકારો સામે જનઆક્રોશ સતત વધી રહ્યો છે.
યુરોપમાં મોંઘવારીનો માર: જનતાનો રોષ અને સરકારો સામેના પડકારો
વૈશ્વિક સ્તરે વધી રહેલી મોંઘવારી અને આર્થિક અનિશ્ચિતતા હવે યુરોપના વિકસિત દેશોની આંતરિક શાંતિને પણ હચમચાવી રહી છે. ફ્રાન્સ અને ઈટાલી જેવા દેશોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ઊંચા ભાવ અને કથળતી સેવાઓ સામે રસ્તા પર ઉતરેલી જનતા આ વાતની સાક્ષી પૂરે છે કે આર્થિક અસંતુલન ગમે તેટલા મજબૂત દેશની વ્યવસ્થાને ડામાડોળ કરી શકે છે. સરકારોએ જો સમયસર મોંઘવારી પર કાબૂ નહીં મેળવ્યો, તો આ અસંતોષ વધુ ઉગ્ર બની શકે છે.