ટ્રમ્પ તંત્રનો મોટો ઝટકો: દુનિયાભરમાં યુએસ વિઝા એપોઇન્ટમેન્ટ પ્રક્રિયા સ્થગિત
-
વૈશ્વિક સ્તરે અમેરિકન દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સમાં વિશેષ ટ્રેનિંગ કાર્યક્રમ શરૂ
-
સરકારી લાભો મેળવવા માંગતા અયોગ્ય અરજદારોની ઓળખ કરવા સ્ટાફને અપાઈ રહી છે તાલીમ
-
અગાઉ નિર્ધારિત થયેલી તમામ એપોઇન્ટમેન્ટ્સ રદ કરી નવી તારીખો ફાળવવાની જાહેરાત
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
ટ્રેડવોર અને કડક ઇમિગ્રેશન કાયદાઓ વચ્ચે અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા વિશ્વભરના દેશો માટે યુએસ વિઝા એપોઇન્ટમેન્ટ પ્રક્રિયાને અચાનક સ્થગિત કરી દેવામાં આવી છે. આ આકસ્મિક પગલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પ સરકારની ભાવિ વિઝા અને ઇમિગ્રેશન નીતિઓ અંગે અટકળો તેજ બની છે.
અમેરિકન ગૃહ વિભાગના સત્તાવાર પ્રવક્તાના જણાવ્યા મુજબ, વિશ્વભરના યુએસ દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સમાં વિઝા અધિકારીઓ માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર અમેરિકાના સરકારી લાભો મેળવવાના ઇરાદા સાથે અરજી કરનારા અયોગ્ય અરજદારોની ઓળખ કરી તેમની અરજીઓ રદ કરવાનો છે. હાલમાં તમામ પૂર્વનિર્ધારિત એપોઇન્ટમેન્ટ્સ રદ કરી દેવાઈ છે અને અરજદારોને નવી તારીખ અને સમય હવે પછીથી મોકલવામાં આવશે. આ તાલીમ કેટલો સમય ચાલશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
બીજા કાર્યકાળમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇમિગ્રેશન નિયમો વધુ આકરા બનાવવામાં આવી રહ્યા છે. ટ્રમ્પ તંત્ર દ્વારા B-1 અને B-2 (બિઝનેસ અને ટૂરિઝમ) કેટેગરીના અંદાજે 2 લાખ વિઝા રદ કરવાની હિલચાલ તેજ કરાઈ છે. આ નિર્ણય અમલી બનશે તો તે અમેરિકન ઇતિહાસમાં વિઝા રદ કરવાની સૌથી મોટી ઘટના સાબિત થશે. વર્ષ 2016 થી 2026 ના સમયગાળામાં આશરો મેળવનારા વિઝા ધારકો પાસેથી બિઝનેસ કે પ્રવાસીનું સ્ટેટસ પાછું ખેંચાઈ શકે છે.
આ ઉપરાંત H-1B વિઝા ફી વધારવા તેમજ રાજકીય વિચારધારા અને અલગતાવાદી વલણ ધરાવતા અરજદારોને સુરક્ષાના કારણોસર વિઝા નકારવાની નીતિ અપનાવાઈ રહી છે.
ટ્રમ્પ તંત્રના આ કડક વલણની ભારતીયો પર પણ મોટી પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. જે ભારતીય અરજદારોની એપોઇન્ટમેન્ટ નક્કી હતી તે રદ થતાં તેમને ફરી લાંબી પ્રતીક્ષા કરવી પડશે. સાથે જ પરિવાર કે નોકરી આધારિત ગ્રીનકાર્ડ કે કાયમી વિઝા મેળવવાની રાહ જોતા અરજદારોની પ્રક્રિયા પણ અનિશ્ચિત મુદત માટે અટકી શકે છે.
યુએસ વિઝા એપોઇન્ટમેન્ટ પ્રક્રિયા સ્થગિત
ટ્રમ્પ વહીવટીતંત્રે કોન્સ્યુલેટ સ્ટાફની ખાસ ટ્રેનિંગના નામે વિશ્વભરમાં અમેરિકન વિઝા એપોઇન્ટમેન્ટ પ્રક્રિયા સ્થગિત કરી છે અને નિર્ધારિત સ્લોટ્સ રદ કર્યા છે. B1/B2 ના 2 લાખ વિઝા રદ કરવા સહિત H-1B નિયમો કડક થતાં ભારતીય અરજદારો અને ગ્રીનકાર્ડ ઇચ્છુકો માટે વેઇટિંગ પીરિયડમાં મોટો વધારો થવાની આશંકા છે.