બંગાળની ખાડીમાં મોટી દુર્ઘટના: ડૂબેલા ટ્રોલરમાંથી 9 માછીમારોના મૃતદેહ મળ્યા
- 6 માછીમારો હજુ પણ લાપતા, ખરાબ હવામાનને કારણે બની હોવાની આશંકા
- મૃતદેહો સડી જવાથી ઓળખ મુશ્કેલ, DNA તપાસનો લેવો પડશે સહારો
- PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, મૃતકોના પરિવારને રૂ. 2 લાખની સહાય
સિટી ન્યુઝ @ કોલકાતા
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા નજીક બંગાળની ખાડીમાં ડૂબી ગયેલા 'જય મા કાલી' ટ્રોલરમાંથી આઠ દિવસની સઘન શોધખોળ બાદ નવ માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે. આ ટ્રોલર 2 જુલાઈએ પૂર્વ મેદિનીપુર જિલ્લાના શંકરપુરથી 15 માછીમારોને લઈને દરિયામાં નીકળ્યું હતું, પરંતુ 6 જુલાઈ બાદ તેનો સંપર્ક તૂટી ગયો હતો. દરિયામાં લાંબો સમય રહેવાને કારણે મૃતદેહો ખરાબ રીતે સડી ગયા છે, જેથી તેમની ઓળખ કરવા માટે હવે DNA તપાસની મદદ લેવી પડશે.
તટરક્ષક દળ અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા બક્ખાલી તટથી 35 કિમી દૂર બાઘેર ચાર પાસે ડૂબેલું ટ્રોલર મળી આવ્યું હતું. રવિવારે તેને સીતારામપુર તટ સુધી લાવવામાં આવ્યું હતું, જ્યાં આખી રાત ચાલેલા રાહત અભિયાનમાં નવ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. હાલમાં હજુ પણ 6 માછીમારો લાપતા છે, જેમના માટે શોધખોળ ચાલુ છે. દુર્ઘટનાનું પ્રાથમિક કારણ ખરાબ હવામાન હોવાનું માનવામાં આવે છે, પરંતુ સત્તાવાર કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને વડાપ્રધાન રાહત ફંડ (PMNRF) માંથી બે-બે લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. લાપતા માછીમારોમાં ઓડિશાના ત્રણ સગા ભાઈઓ પણ સામેલ છે. હાલ કાકદ્વીપ હોસ્પિટલ બહાર સ્વજનોનો આક્રંદ જોવા મળી રહ્યો છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર દરિયાઈ મુસાફરીમાં સુરક્ષા અને હવામાનની આગાહીના મહત્વને ઉજાગર કર્યું છે.