સ્વિટ્ઝર્લેન્ડમાં પર્યટકોથી ભરેલી બસ પલટી
-
બસમાં ૪૮ યાત્રીઓ સવાર હોવાની માહિતી
-
તમામ મુસાફરો નેધરલેન્ડના રહેવાસી હતા
-
સ્થાનિક સમય અનુસાર સાંજે ૪:૪૫ વાગ્યે બની ઘટના
સિટી ન્યુઝ @ ગ્રૌબુંડેન
સ્વિટ્ઝર્લેન્ડના ગ્રૌબુંડેન વિસ્તારમાં ડચ પર્યટકોને લઈ જઈ રહેલી એક બસ અચાનક ઢાળ પરથી ગબડીને એક સેફટી બેરીયર સાથે ટકરાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અનેક લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ગોઝારી ઘટના ગ્રૌબુંડેનથી દૂર પૂર્વી કેન્ટનમાં સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ ૪:૪૫ વાગ્યે સર્જાઈ હતી, જ્યાં બસ પલટીને નીચે પડી હતી.
ડચ ફેડરેશન ઓફ ટ્રાવેલ એજન્સીઝ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ બસ ટુર કંપની ઓડની હતી અને તેમાં કુલ ૪૮ યાત્રીઓ સવાર હતા, જે તમામ નેધરલેન્ડના રહેવાસી હતા. કેન્ટન પોલીસે આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે સુશના વિસ્તારમાં બસ અકસ્માતને કારણે ભારે નુકસાન થયું છે અને મૃતકોની સાથે અનેક ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે દુઃખદ ઘટના
સ્વિટ્ઝર્લેન્ડમાં બનેલી આ દુર્ઘટનાએ પર્યટકો અને પ્રશાસનમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. વિદેશી ધરતી પર બનેલી આ ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા અને મૃતકોના પરિવારજનોને સહાય પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.