Loading Please Wait !!!
H-1B વિઝાધારકો માટે 60 દિવસનો ગ્રેસ પિરિયડ દૂર કરવાનો પ્રસ્તાવ

 

  • અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ દ્વારા રજૂ કરાયો પ્રસ્તાવ

  • વર્ષ 2017થી અમલમાં હતો 60 દિવસનો સમયગાળો

  • E-1, E-2 અને L-1 સહિતના અન્ય વિઝા પર પણ પડી શકે છે અસર

સિટી ન્યુઝ @ વાશિંગ્ટન

અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે H-1B વિઝાધારકોને નોકરી ગુમાવ્યા બાદ મળતો 60 દિવસનો ગ્રેસ પિરિયડ દૂર કરવાનો મોટો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિયમ વર્ષ 2017થી અમલમાં છે, જે વિદેશી કર્મચારીઓને નોકરી છૂટ્યા પછી નવી નોકરી શોધવા અથવા જરૂરી વ્યવસ્થા કરવા માટે સમય આપે છે. જો આ પ્રસ્તાવ અમલમાં આવશે તો ભારતીય IT પ્રોફેશનલ્સ સહિત હજારો વિદેશી કર્મચારીઓ માટે મુશ્કેલીઓ વધી જશે.

H-1B વિઝા અમેરિકાની ટેક્નોલોજી અને અન્ય સ્પેશિયાલિટી ક્ષેત્રોમાં વિદેશી કુશળ કર્મચારીઓ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને ભારત અને ચીનના પ્રોફેશનલ્સ મોટી સંખ્યામાં આ વિઝાનો ઉપયોગ કરે છે. TCS, Infosys, HCLTech અને LTIMindtree જેવી ભારતીય IT કંપનીઓ ઉપરાંત વિદેશી કંપનીઓ પણ આ વિઝાના મોટા સ્પોન્સર્સમાં સામેલ છે, જેના કારણે આ ફેરફારથી મોટી સંખ્યામાં કર્મચારીઓ પ્રભાવિત થઈ શકે છે.

આ પ્રસ્તાવ માત્ર H-1B વિઝા સુધી મર્યાદિત નથી, પરંતુ જો અમલમાં આવે તો E-1, E-2, L-1, O-1 અને TN જેવા અન્ય ટેમ્પરરી વર્ક વિઝા ધારકો પર પણ તેની માઠી અસર પડી શકે છે. હાલમાં આ નિયમ માત્ર પ્રસ્તાવના તબક્કામાં છે અને તેને અંતિમ સ્વરૂપ મળ્યું નથી. DHSના પ્રસ્તાવ પર જાહેર જનતા અને પક્ષકારો પાસેથી બે મહિનાનો પબ્લિક કોમેન્ટ પિરિયડ રાખવામાં આવ્યો છે.

જાન્યુઆરી 2025માં ફરી સત્તા સંભાળ્યા બાદ ટ્રમ્પ પ્રશાસને કાયદેસર ઇમિગ્રેશન અંગે અનેક કડક પગલાં લીધા છે. આ પ્રસ્તાવ પણ એ જ નીતિનો એક ભાગ છે. જો આ ફેરફાર અંતિમ સ્વરૂપે અમલમાં આવશે તો અમેરિકામાં કામ કરતા H-1B વિઝાધારક ભારતીયો માટે નોકરી બદલવાની પ્રક્રિયા અને પારિવારિક આયોજન અત્યંત પડકારજનક બની જશે.

ઇમિગ્રેશન નીતિઓમાં કડકાઈ

અમેરિકા દ્વારા H-1B વિઝાના નિયમોમાં સંભવિત ફેરફાર વિદેશી કુશળ કામદારો માટે ચિંતાનો વિષય બન્યો છે. જ્યાં સુધી અંતિમ સરકારી નિર્ણય ન આવે ત્યાં સુધી વિઝાધારકોએ રાહ જોવી પડશે, પરંતુ આ પ્રસ્તાવ ભવિષ્યમાં ઇમિગ્રેશન પ્રક્રિયાઓને વધુ કડક બનાવતા સ્પષ્ટ સંકેતો આપી રહ્યો છે.