Loading Please Wait !!!
સ્પેનના 10 લોકોની વસ્તી ધરાવતા નાનકડા ગામમાં પૂર્ણ સૂર્યગ્રહણથી અદ્ભુત નજારો સર્જાશે!

 

  • સ્પેનના ઉત્તરીય બુર્ગોસ પ્રાંતમાં આવેલું આ ગામ ખગોળીય જાદુનું કેન્દ્ર બનશે.

  • ઊંચી ઇમારતો વગર ખુલ્લા ખેતરો હોવાથી ભૌગોલિક સ્થિતિ સૌથી શ્રેષ્ઠ ગણાઈ.

  • ગામના જૂના રહેવાસીઓ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા પાછા ફરી રહ્યા છે.

સિટી ન્યુઝ @ બુર્ગોસ

બુર્ગોસ, સ્પેનના ઉત્તરીય બુર્ગોસ પ્રાંતમાં આવેલું નાનકડું ગામ 'અવેલેનોસા દ મુન્યો' વર્ષોથી સન્નાટામાં જીવી રહ્યું છે. આશરે માત્ર 10 લોકોની વસ્તી ધરાવતાં આ ગામમાં ન તો કોઈ રેસ્ટોરન્ટ છે, ન તો કોઈ દુકાન કે ટૂરિસ્ટનો ઘોંઘાટ. પરંતુ આ ગામમાં સદીઓ જૂનો સન્નાટો એક ઝાટકે તૂટવા જઈ રહ્યો છે. યોજાનારા પૂર્ણ સૂર્યગ્રહણને જોવા માટે આ ગુમનામ ગામ દુનિયાભરના ખગોળપ્રેમીઓ માટે મુખ્ય કેન્દ્રબિંદુ બનવા જઈ રહ્યું છે.

ખગોળશાસ્ત્રીઓના મતે આ ગામની ભૌગોલિક સ્થિતિ સૂર્યગ્રહણ જોવા માટે વિશ્વની સૌથી શ્રેષ્ઠ જગ્યાઓમાંથી એક છે. અહીં પશ્ચિમમાં ફેલાયેલા ઘઉંના ખેતરો અને નાની ટેકરીઓ એવો ખુલ્લો નજારો રજૂ કરે છે કે જ્યાં કોઈ ઊંચી ઇમારત અવરોધ બનતી નથી. આ દિવસે અહીં એક સાથે બે દુર્લભ ઘટનાઓ આકાર લેશે, જેને વૈજ્ઞાનિકો 'ડબલ ટવીલાઇટ' એટલે કે એક જ દિવસમાં બે વાર સૂર્યાસ્ત કહે છે.

ગ્રહણ દરમિયાન સૂર્યાસ્ત પહેલાં થોડી મિનિટો માટે અંધારૂ છવાઈ જશે, ત્યારબાદ ફરી સૂર્યપ્રકાશ પથરાશે અને સાંજે નિયમિત સૂર્યાસ્ત થશે. આ સિવાય એ જ રાત્રે 'પર્સિડ્સ ઉલ્કા વર્ષા' પણ પોતાના ચરમસીમા પર હશે, જે આ જગ્યાને ખગોળીય જાદુનું કેન્દ્ર બનાવી દેશે. વર્ષ 1950 ના દશકમાં આ ગામમાં 200 થી વધુ લોકો વસવાટ કરતાં હતાં, પરંતુ સમય જતાં લોકો મોટા શહેરો તરફ પલાયન કરી ગયા હતા અને હવે જૂના રહેવાસીઓ આ ક્ષણના સાક્ષી બનવા પાછા ફરી રહ્યાં છે.

ગ્રહણને લઈને દુનિયાભરમાં એટલો ક્રેઝ છે કે આસપાસનાં વિસ્તારોની હોટેલો વર્ષ 2022 થી જ બુક થઈ ચૂકી છે. બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશોમાંથી લોકો અહીં પહોંચી રહ્યા છે અને ગામની પ્રાચીન ગુફાઓ ગ્રહણ જોવા માટે 'વીઆઈપી ગેલેરી' સમાન બની ગઈ છે. માત્ર 10 લોકોની વસ્તી ધરાવતાં આ ગામમાં હજારો પ્રવાસીઓ આવવાનાં હોવાથી સ્થાનિક તંત્ર સામે વ્યવસ્થા જાળવવાનો મોટો પડકાર ઊભો થયો છે.

સ્પેનના જ અન્ય કેટલાક ગામોમાં 'ઓવર-ટૂરિઝમ'ના કારણે શાંતિ હણાઈ જવાની ચિંતા વધી છે, જેથી અહીં પણ ખગોળીય પ્રવાસનની આ ચમક ગામની મૂળ શાંતિને કાયમ માટે છીનવી ન લે તેવો ભય સેવાઈ રહ્યો છે. ભલે આ માનવ મહેરામણ માત્ર થોડા દિવસો માટે જ અહીં રહેશે, પરંતુ ગ્રહણની તે થોડી મિનિટો માટે સ્પેનનો આ સૌથી શાંત અને ઉપેક્ષિત ખૂણો સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની જશે.