Loading Please Wait !!!
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજથી ભક્તિભાવપૂર્વક પ્રારંભ: જૈન સમાજ તપ-આરાધનામાં લીન

 

  • ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

  • કૃષ્ણનગર, શાસ્ત્રીનગર, વડવા, સુભાષનગર અને રૂપાણી સહિતના ઉપાશ્રયોમાં વિશેષ આરાધના

  • શનિવારે ભક્તિભાવ સાથે કલ્પસૂત્ર અંતર્ગત પ્રભુ મહાવીર સ્વામીના જન્મ વાંચનનો મહોત્સવ યોજાશે

સિટી ન્યુઝ @ ભાવનગર

ભગવાન મહાવીર સ્વામીના પરમ અહિંસા, સંયમ અને અનેકાંતવાદના દિવ્ય સંદેશને ઉજાગર કરતા મહામંગલકારી જૈન ધર્મના પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજથી અત્યંત ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્વક પ્રારંભ થયો છે. આજથી શરૂ થયેલા આત્મશુદ્ધિના આ પવિત્ર આઠ દિવસીય ઉત્સવ દરમિયાન સમગ્ર જૈન સમાજ જપ, તપ, સ્વાધ્યાય અને પ્રભુભક્તિમાં લીન બનશે. આ મહાપર્વ અંતર્ગત આગામી શનિવારે પ્રભુ મહાવીર સ્વામીના જન્મ વાંચનનો ભવ્ય મહોત્સવ ઉજવાશે, જ્યારે મંગળવારે વિશ્વ ક્ષમાપના પર્વ સમાન સંવત્સરી મહાપર્વની ભાવપૂર્વક આરાધના કરવામાં આવશે.

ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ દ્વારા પર્યુષણ નિમિત્તે સમગ્ર શહેરમાં વિવિધ ધાર્મિક આયોજનો, અનુષ્ઠાનો અને વ્યાખ્યાનમાળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરના દાદાસાહેબ દેરાસર, કૃષ્ણનગર, શાસ્ત્રીનગર, વડવા, સુભાષનગર, રૂપાણી, વિદ્યાનગર, આનંદનગર તેમજ તૃપ્તિ અને વિઠ્ઠલવાડી ઉપાશ્રય સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા તમામ જિનાલયો અને ઉપાશ્રયોમાં શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા પર્યુષણ પર્વની ઉત્સાહભેર ઉજવણી શરૂ થઈ ગઈ છે.

આ પવિત્ર આઠ દિવસ દરમિયાન જૈન ભાઈ-બહેનો પોતાના મન, વચન અને કાયાથી થયેલી જાણી-અજાણી ભૂલો તથા દોષો બદલ પરસ્પર ક્ષમાયાચના માંગી 'મિચ્છામિ દુક્કડં' પાઠવશે. પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં દરરોજ સવારે કલ્પસૂત્ર અને બારસા સૂત્રના વિશિષ્ટ વ્યાખ્યાન યોજવામાં આવશે.

જૈન સંઘોમાં આ દિવસો દરમિયાન યથાશક્તિ ઉપવાસ, આયંબિલ, એકાસણાં, અઠ્ઠાઈ સહિતની કઠિન તપશ્ચર્યાઓ અને પૌષધ વ્રત અંગીકાર કરવામાં આવશે. આ ઉપરાંત સાંજના સમયે પ્રતિક્રમણ અને તમામ જિનાલયોમાં દેવાધિદેવની અદ્ભુત તેમજ નયનરમ્ય આંગી રચના કરવામાં આવશે, જેને નિહાળવા ભાવિકો ઉમટી પડશે.

પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ

જૈન ધર્મના સર્વોચ્ચ પર્વાધિરાજ પર્યુષણનો આજથી પ્રારંભ થયો છે. સમગ્ર જૈન સમાજ આઠ દિવસ સુધી તપ, જપ, પૌષધ અને આરાધનામાં લીન રહેશે. ભાવનગર સહિત દેશભરના જિનાલયો-ઉપાશ્રયોમાં સાધુ ભગવંતોની નિશ્રામાં વ્યાખ્યાન યોજાશે. શનિવારે મહાવીર સ્વામી જન્મ વાંચન મહોત્સવ અને મંગળવારે સંવત્સરી મહાપર્વની આરાધના કરાશે.