Loading Please Wait !!!
કોડીનયુક્ત દવાઓ સામે ગુજરાત FDCA નો સપાટો: ₹83 લાખની રેક્સટોન-ટી સિરપ પ્રતિબંધિત

 

  • 1 સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ શરૂ કરી હોલસેલ-રિટેલ વેપારીઓની સઘન ચકાસણી

  • બાલાજી ફાર્મામાંથી ₹220 ની MRP વાળી ₹83.07 લાખની રેક્સટોન-ટી સિરપ પ્રતિબંધિત કરાઈ

  • કલોલની હેલ્થ પોઇન્ટ ફાર્માનો ખુલાસો અસંતોષકારક જણાતાં ડ્રગ સેલ લાઈસન્સ કાયમી ધોરણે રદ

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગુજરાતમાં કોડીન ઘટક ધરાવતી કફ સિરપના ગેરકાયદે સંગ્રહ, બિનઅધિકૃત વેચાણ અને નશાના હેતુ માટે થતા ગેરઉપયોગ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સીધી સૂચના બાદ 1 સપ્ટેમ્બર 2026 થી શરૂ થયેલી આ સઘન ઝુંબેશ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા સહિતના વિસ્તારોમાં હોલસેલ તેમજ રિટેલ દવા વિક્રેતાઓને ત્યાં વ્યાપક તપાસણી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન ગાંધીનગર-અમદાવાદ ગ્રામ્ય કાર્યક્ષેત્ર હેઠળ આવતી બાલાજી ફાર્મા ખાતેથી કોડીન ઘટક ધરાવતી 'Rexton-T Syrup' ની 37,762 બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પ્રતિ બોટલ ₹220 ની છૂટક કિંમત (MRP) મુજબ કુલ ₹83,07,640 ની કિંમતનો આ દવાનો જથ્થો વધુ વેચાણ કે ઉપયોગ ન થાય તે માટે તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરી દેવાયો છે. નિયમ અનુસાર પૃથ્થકરણ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. પ્રાથમિક રેકોર્ડ તપાસમાં પેઢી મુખ્યત્વે કોડીનયુક્ત દવાઓનો જ મોટો વેપાર કરતી હોવાનું સામે આવતાં તેને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

તંત્ર દ્વારા કલોલ સ્થિત હેલ્થ પોઇન્ટ ફાર્મા સામે સૌથી કડક પગલું લેવામાં આવ્યું છે. 31 ઓગસ્ટે હાથ ધરાયેલી તપાસમાં ગંભીર ક્ષતિઓ જણાતાં નોટિસ અપાઈ હતી, પરંતુ પેઢીનો ખુલાસો અસંતોષકારક રહેતાં તેનો દવા વેચાણનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાંગોદરની ફાર્માલિન લાઈફસાયન્સિસ, સાંતેજની રેઈન રેમેડીઝ, વિસનગરની કેપિટલ ફાર્મા, અમદાવાદની HRDM ગ્લોબલ સોલ્યુશન્સ અને કઠવાડાની કૃષ્ણા ફાર્મા સામે ખરીદ-વેચાણના બિલો અને દસ્તાવેજોમાં અનિયમિતતા જણાતાં કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

અમદાવાદની જય અંબે ડિસ્ટ્રિબ્યુટર્સ ખાતેથી પણ કોડીનયુક્ત 'R Tuss TD Syrup' ની 57 બોટલ (કિંમત ₹9,006) મળી આવતાં તેના વેચાણ પર રોક લગાવી નોટિસ પાઠવવામાં આવી છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર જનઆરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ ધરાવે છે. કોડીનયુક્ત દવાઓ માત્ર માન્ય તબીબી પ્રિસ્ક્રિપ્શનથી જ દર્દી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઓચિંતી તપાસ અને કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.

કોડીન સિરપ સામે તંત્રની લાલ આંખ

ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ નશા માટે વપરાતી કોડીનયુક્ત સિરપના ગેરકાયદે વેચાણ સામે ઝુંબેશ ચલાવી બાલાજી ફાર્મામાંથી ₹83 લાખની 37,762 બોટલ પ્રતિબંધિત કરી છે. કલોલની હેલ્થ પોઇન્ટ ફાર્માનું લાઈસન્સ રદ કરાયું છે, જ્યારે અન્ય 7 પેઢીઓને કારણદર્શક નોટિસ પાઠવી તપાસ તેજ કરાઈ છે.