સિંગાપોર સરકારની અનોખી પહેલ: પુસ્તક વાંચો અને રોકડ ઇનામ મેળવો
-
સતત રીલ્સ જોવાને કારણે લોકોની લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટી
-
50 દિવસ સુધી રોજ 15 મિનિટ વાંચવાના 1,000 કોઇન્સના બદલામાં મળે છે 76 રૂપિયા
-
આ વર્ષે સરકારે કુલ 75 લાખ રીડિંગ મિનિટ્સનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે
સિટી ન્યુઝ @ સિંગાપોર
સિંગાપોર સરકારે બાળકો અને યુવાનોને સ્માર્ટફોન અને રીલ્સના લતમાંથી બહાર કાઢીને પુસ્તકોની નજીક લાવવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. સ્માર્ટફોન પર કલાકો સુધી શોર્ટ વીડિયો જોવાની આદતના કારણે લોકોની લાંબા સમય સુધી કોઈ પુસ્તક કે લેખ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઘટી રહી છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે 5 વર્ષનું 'નેશનલ રીડિંગ મિશન' શરૂ કર્યું છે. આ યોજના હેઠળ લોકોને દરરોજ ઓછામાં ઓછું 15 મિનિટ પુસ્તક વાંચવું પડશે અને તેનો સમય સરકારી વેબસાઇટ પર નોંધાવવાના બદલામાં વર્ચ્યુઅલ કોઇન્સ મળશે, જેને રોકડ ઇનામમાં ફેરવી શકાશે.
આ ગેમીફાઇડ રીવર્ડ સિસ્ટમ મુજબ, રોજ 15 મિનિટ વાંચવા પર 20 કોઇન્સ મળે છે અને 50 દિવસમાં 1,000 કોઇન્સ પૂરા થવા પર 1 સિંગાપોરી ડોલર એટલે કે લગભગ 76 રૂપિયા આપવામાં આવે છે. સરકારનો મુખ્ય હેતુ લોકોને પૈસા આપવાનો નહીં, પરંતુ તેમને દરરોજ ઓછામાં ઓછી 15 મિનિટ ફોનથી દૂર રાખીને વાંચનની ટેવ પાડવાનો છે. બીજી તરફ, ભારતમાં પણ સ્માર્ટફોન અને શોર્ટ વીડિયોનું ચલણ ખૂબ વધી ગયું છે, જ્યાં એક સર્વે મુજબ 95% યુઝર્સ રોજ ઇન્સ્ટાગ્રામ રીલ્સ જુએ છે. જો ભારતમાં પણ આવી કોઈ યોજના આવે, તો બાળકો અને યુવાનોમાં ફરીથી પુસ્તક વાંચવાની સંસ્કૃતિને પ્રોત્સાહન મળી શકે છે.
ડિજિટલ યુગમાં વાંચનનું મહત્વ
સોશિયલ મીડિયા અને શોર્ટ વીડિયોના આ સમયમાં માનસિક એકાગ્રતા અને કલ્પનાશક્તિ જાળવી રાખવા માટે પુસ્તકોનું વાંચન અનિવાર્ય છે, જે યુવા પેઢીના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે.