મનોજ જરાંગેએ 20 દિવસ પછી ભૂખ હડતાળ સમાપ્ત કરી: મહારાષ્ટ્ર સરકારને 3 મહિનાનો સમય આપ્યો
-
૨૯ ઓગસ્ટે જાલનાના અંતરવાલી સરાટીથી શરૂ કરી હતી ભૂખ હડતાળ
-
બીડના પાટોદા પહોંચતા તબિયત લથડતા અટકાવવી પડી હતી મુંબઈ કૂચ
-
એડવોકેટ જનરલના અભિપ્રાય બાદ કાર્યવાહી પૂર્ણ થવામાં લાગશે ૩ થી ૪ મહિના
સિટી ન્યુઝ @ મુંબઈ
મરાઠા આરક્ષણના અગ્રણી કાર્યકર્તા મનોજ જરાંગેએ ગુરુવારે ૨૦ દિવસથી ચાલી રહેલી તેમની ભૂખ હડતાળ સત્તાવાર રીતે સમાપ્ત કરી દીધી છે. તેમણે મહારાષ્ટ્ર સરકારને તેમની માંગણીઓ પર ગંભીરતાથી વિચાર કરવા માટે ૯૦ દિવસ એટલે કે ૩ મહિનાનો સમય આપ્યો છે અને ચેતવણી આપી છે કે જો આ સમયગાળામાં માંગણીઓ પૂરી નહીં થાય તો તેઓ ફરીથી મુંબઈ તરફ કૂચ કરીને આંદોલન શરૂ કરશે. જરાંગે ગત ૨૯ ઓગસ્ટે જાલનાના અંતરવાલી સરાટીથી મરાઠાઓને કુણબી વંશાવળીના આધારે OBC ક્વોટામાં અનામત આપવાની માંગ સાથે ભૂખ હડતાળ પર બેઠા હતા.
પાટોદા ખાતે મહારાષ્ટ્ર સરકારના પ્રતિનિધિમંડળ (જેમાં મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ, દાદા ભુસે સહિતના નેતાઓ સામેલ હતા) સાથે સકારાત્મક ચર્ચા થયા બાદ આ નિર્ણય લેવાયો છે. સરકાર વતી સ્પષ્ટ કરવામાં આવ્યું કે સાતારા અને કોલ્હાપુર ગેઝેટ પર એડવોકેટ જનરલનો લેખિત અભિપ્રાય મેળવ્યા બાદ પ્રક્રિયામાં ૩ થી ૪ મહિનાનો સમય લાગી શકે છે. સરકાર દ્વારા ૧૩ માંથી ૧૨ માંગણીઓ પર પહેલેથી જ કામ શરૂ કરી દેવાયું છે. તબિયત લથડવાના કારણે કૂચ અટકાવનાર જરાંગેએ હવે સરકારને સમય આપ્યો છે, ત્યારે આગામી સમયમાં મરાઠા અનામતનો મુદ્દો કયા વળાંક લે છે તે જોવું રહ્યું.
સામાજિક આંદોલન અને રાજકીય સંવાદ
અધિકારો અને અનામત માટે ચાલતા આવા જન આંદોલનોમાં પ્રશાસન અને નેતૃત્વ વચ્ચેનો કાયદેસર અને રચનાત્મક સંવાદ જ શાંતિપૂર્ણ ઉકેલ તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.